Rajkot News: રાજકોટમાં જંગલેશ્વર બાદ હવે લક્ષ્મીનગર વિસ્તારમાં પણ તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત સીડીએસ બિપિન રાવત અંડરબ્રિજ પાસે આવેલી આશરે પાંચ એકર જેટલી સરકારી જમીન પરના દબાણો દૂર કરી તેને ખુલ્લી કરવામાં આવશે.
રેલવે વિભાગ દ્વારા આ વિસ્તારમાં આવેલા 350થી વધુ ઝૂંપડાઓને દૂર કરવા માટે ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં રેલવે પોલીસ, માલવિયા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના 400થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
થોડા દિવસ પહેલા જંગલેશ્વરમાં થઈ હતી ડિમોલેશનની કાર્યવાહી
આજી નદીના કિનારે ઉપરાંત ટી.પી રોડ ખુલ્લો કરવા માટે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. કુલ 87 હજાર ચોરસ મીટરમાં કરવામાં આવેલા દબાણોને તોડી પાડવાની પૂરજોશમાં કામગીરી કરવામાં આવી હતી. અલગ અલગ સાત ઝોનમાં વહેંચીને અધિકારીઓ, તકનીકી સ્ટાફ, સુપરવાઈઝર અને ફિલ્ડ કર્મચારીઓની હાજરીમાં આ મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે 2500થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળોને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં એક હજાર 26 મકાનો લોકોએ જાતે જ ખાલી કરી દીધા છે. 25 જેટલા ડ્રોન કેમેરાથી મેગા ડિમોલિશનની કામગીરી પર સતત નજર રાખવામાં આવી હતી. મેગા ડિમોલિશનને લઈને મહાનગરપાલિકાએ વિશેષ કંન્ટ્રોલરૂમ પણ શરૂ કર્યો હતો. જ્યાંથી મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમેરા સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા હતા. દબાણો હટાવવા માટે 64થી વધુ જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી મશીન, 50 બ્રેકર, 42 ગેસ કટર, 14 ડમ્પર, 260થી વધુ મશીન અને એક હજાર 450 જેટલા શ્રમિકોની મદદ લેવામાં આવી હતી. બહુમાળી ઈમારતોને પણ ધરાશાયી કરવામાં આવી હતી. સરકારી જગ્યામાં અંદાજિત 400થી 500 વારમાં ત્રણ માળના કારખાનાને પણ તોડી પાડવામાં આવ્યા. એટલુ જ નહીં જંગલેશ્વર વિસ્તારમાં રહેતા મુરઘા ગેંગના સાગરિતોના મકાનોને પણ જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા.
નોંધનિય છે કે, આજી નદી વિસ્તારમાં દબાણો દૂર થતાં ચોમાસામાં પાણીના પ્રવાહને નીકળવામાં અવરોધ નહી થાય. પાણી ભરાવવાની સમસ્યામાંથી મુક્તિ મળશે. ડીમોલેશન રોકવા માટે કુલ 91 પિટિશન દાખલ કરવામાં આવી હતી. નવા બનતા 3000 આવાસમાં પ્રથમ પ્રાયોરિટી જંગલેશ્વરના અસરગ્રસ્તોને આપવામાં આવશે. દબાણો દૂર કરી 87000 ચોરસ મીટર સરકારી જગ્યા દૂર કરવામાં આવશે. રાજકોટ ડીસીપી ક્રાઈમ દ્વારા બંદોબસ્તને લઈને માહિતી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં એક પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી. શાંતિપૂર્ણ માહોલમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીમોલેશન કરવામાં આવ્યું હતું.
