પ્લેન ક્રેશ નજરે જોનારા મિતાંશુએ ભયાવહ ક્ષણની આપવીતી જણાવી, ખતરનાક બ્લાસ્ટ થયો અને....
અમદાવાદમાં એર ઇન્ડિયાની AI 171 અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ એરપોર્ટથી ટેકઓફ થયાં બાદ ક્રેશ થતા વિમાનમાં સવારમાં મુસાફરો અને ક્રુ મેમ્બરો સહિત 242 માંથી 241 ના કરૂણ મૃત્યુ નિપજ્યા હતા.

જેતપુર: અમદાવાદમાં એર ઇન્ડિયાની AI 171 અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ એરપોર્ટથી ટેકઓફ થયાં બાદ ક્રેશ થતા વિમાનમાં સવારમાં મુસાફરો અને ક્રુ મેમ્બરો સહિત 242 માંથી 241 ના કરૂણ મૃત્યુ નિપજ્યા હતા. તેમજ અન્ય લોકોના મૃત્યુ થવા સાથે અનેક લોકો ઘાયલ થયા હતા જેમાં જેતપુરમાં રહેતો મિતાંશુ ઠેસીયા મેડિકલ ડોક્ટરની પ્રેક્ટિસ કરતો હતો ત્યારે હોસ્ટેલમાં જમીને બહાર નીકળતાજ પ્લેન ક્રેશ થતા દાજી ગયો હતો. અમદાવાદમાં સારવાર બાદ મિતાશું જેતપુર હેમખેમ ઘરે પહોંચ્યો હતો. મિતાશુંને પોતાની નજરે જોયેલી ગોઝારી ઘટના અંગે વિગતવાર જણાવ્યું હતું.
એક બિલ્ડિંગ સાથે અથડાઈ અને બ્લાસ્ટ થયો
મિતાંશું ઠેસીયા જે પોતે બીજે મેડીકલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેણે જણાવ્યું કે જ્યારે ઘટના બની ત્યારે મેસમાંથી નિકળી વાંચવા માટે જઈ રહ્યો હતો ત્યાં જોયું કે જમણી બાજુથી પ્લેન આવે છે અને મેસની બિલ્ડિંગ સાથે ભટકાઈ જાય છે. આગળની એક બિલ્ડિંગ સાથે અથડાઈ અને બ્લાસ્ટ થયો હતો. એ જોતા અમે અમારી ગાડીવાળી હોસ્ટેલ તરફ ભાગવા લાગ્યા.
મારી સાથે એક મિત્ર હતો અમે બંને એક સાથે જ ભાગ્યા હતા. અમને બંનેને સામાન્ય ઈજા પહોંચી હતી. ખતરનાક બ્લાસ્ટ થયો હતો. મને હાથમાં અને કાનમાં પાછળ ઈજા પહોંચી છે.
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થઈને બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલમાં અથડાયને બ્લાસ્ટ થયું હતું સાથે હોસ્ટેલમાં જમતા મેડિકલ વિદ્યાર્થીઓ, ડોક્ટર સહિત સ્ટાફમાં ભાગદોડ સાથે અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળામાં કેટલાક વિદ્યાર્થીઓ અને તબીબો ઇજાગ્રસ્ત પણ થયાં હતાં અને ઘણા લોકોના મોત પણ થયા હતા.
અમદાવાદ માટે ગોજારો દિવસ સાબિત થયો
12 જૂન ગુરુવારનો દિવસ ગુજરાત અને અમદાવાદ માટે ગોજારો દિવસ સાબિત થયો. ભયાનક પ્લેન ક્રેશમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. એર ઈન્ડિયાનું આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. આ વિમાનમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 મુસાફરો હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા. આ ઘટનામાં તેમનું પણ નિધન થયું.





















