Rajkot Tragedy: રાજકોટમાં શનિવારે બનેલી ગેમ ઝૉન અગ્નિ કાંડની ઘટના બાદ હવે રાજ્ય સરકારે મોટી એક્શન લીધી છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝૉનમાં લાગેલી આગમાં 27 લોકો આગમાં ભડથૂ થઇ ગયા હતા, અહીં કોઇપણ પ્રકારની સેફ્ટી કે ફાયર-એનઓસી ના હોવાની વાત સામે આવી હતી. જોકે, હવે આ મામલે સરકારે સમગ્ર ગુજરાતમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ તપાસ દરમિયાન હવે રાજ્યમાં ચાલતા 100થી વધુ ગેમ ઝૉનને બંધ કરાયા છે. હાલમાં આ મૃત્યુકાંડ મામલે પોલીસની સીટ તપાસ કરી રહી છે અને આ મામલે વધુ અપડેટ સામે આવી શકે છે. 


રાજકોટમાં ટીઆરપી ગેમ ઝૉનમાં આગ લાગવાથી 27 લોકો મોતને ભેટ્યા છે, આ ઘટના પછી સરકાર પર દબાણ ઉભુ થયુ છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સહિતના લોકો રાજકોટ પહોંચ્યા હતા અને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. ઘટનાના પડઘા ગુજરાત બહાર પણ પહોંચ્યા છે. હવે આ મામલે રાજ્ય સરકારે એક્શન લીધી છે. મળતી માહિતી પ્રમાણે, રાજ્યભરમાં ચાલતા તમામ ગેમ ઝૉનમાં સઘન ચેકિંગ હાથ ધરવામા આવ્યુ છે, જેમાં નિયમોનું પાલન ના થતું હોય તેવા 100થી વધુ ગેમ ઝૉનને બંધ કરાયા છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલી તપાસમાં ખુલ્યુ છે કે, રાજ્યભરમાં 100થી વધુ ગેમ ઝૉન એવા છે જેની પાસે ફાયર NOC નથી. વડોદરાના તમામ 10 ગેમ ઝૉન આ તપાસ દરમિયાન બંધ કરી દેવાયા છે. એમ્યૂઝમેન્ટ પાર્ક, ફન પાર્ક પણ બંધ કરાયા છે. કમાટીબાગમાં જૉય ટ્રેન, બમ્પી રાઈડ્સ અને બે કાફેને બંધ કરાયા છે. 


તપાસમાં સામે આવ્યુ છે કે, 30 ટકાથી વધુ ગેમ ઝૉન પાસે ફાયર એનઓસી જ નથી. કેટલાક ગેમ ઝૉન તો 5 વર્ષથી મંજૂરી વિના ધમધમી રહ્યાં હતા. મોટાભાગના ગેમ ઝૉનમાં અગ્નિશામક ચીજવસ્તુઓનું પ્રમાણ વધુ હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર એક જ દરવાજો હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યુ છે. અમદાવાદમાં સરકારી ચોપડે 25 ગેમ ઝૉન નોંધાયા છે. 


'3100થી વધુ અગ્નિકાંડ, 3176ના મોત....' છેલ્લા પાંચ વર્ષના NCRBના ગુજરાતના આંકડા છે ચોંકાવનારા


ગુજરાતમાં આગની ઘટનાઓમાં સતત વધારો થયો છે. તાજેતરમાં જ સામે આવેલા NCRBના આંકડા પણ ચોંકાવનારા છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ ગુજરાત સરકારને સવાલો કરીને ઘેરી છે. ગુજરાતમાં NCRBના આંકડા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં આગથી તાંડવ મચ્યુ છે, પાંચ વર્ષમાં લગભગ 31થી વધુ આગની ઘટનાઓ ઘટી છે જેમાં 3 હજારથી વધુ લોકો ભૂંજાયા હોવાની માહિતી સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝૉનમાં અચાનક લાગેલી આગમાં અત્યાર સુધી 27 લોકોના મોત થયા છે, આ ઘટનામાં 6 લોકો વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. 


ટીઆરબી ગેમ ઝૉનના અગ્નિકાંડના પડઘા ગુજરાત બહાર પણ પડ્યા છે. આ ઘટનાને લઇને રાજનીતિ પણ તેજ થઇ ગઇ છે. હાલમાં જ ગુજરાત કોંગ્રેસે સરકારને આ મામલે ઘેરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કાઠવાડિયાએ સરકાર સામે અગ્નિકાંડ અને સુરક્ષાના મુદ્દે સવાલો કર્યા છે. NCRBના તાજા આંકડા પ્રમાણે, છેલ્લા પાંચ વર્ષમાં આગથી થતાં અકસ્માતમાં 3176 લોકોના મોત થયા છે.


ગુજરાતમાં આગની ઘટનાઓમાં વધારો થયો છે. ગુજરાત રાજ્યમાં આગથી થતાં અકસ્માતમાં થતા મૃત્યુના આંકડાઓ ચોંકાવનારા અને ચિંતાજનક છે. NCRB દ્વારા આગથી થતા અકસ્માતમાં વર્ષ 2018 થી 2022 દરમિયાન ગુજરાત રાજ્યમાં 3176 લોકોના મોત થયા છે. છેલ્લા 5 વર્ષમાં આગથી થતા અકસ્માતની 3100 ઘટનાઓ ઘટી છે. વર્ષ 2021 અને 2022 માં આગથી થતા અકસ્માતની 729 ઘટનાઓ ઘટી છે. આ બે વર્ષમાં આગથી થતા અકસ્માતમાં 737 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં તક્ષશિલા કાંડ સુરતથી લઇને ટીઆરપી ગેમિંગ ઝૉન કાંડ સુધીની અનેકવાર ગંભીર આગના અકસ્માતની ઘટનાઓ ઘટી છે. આમાં કેટલાય લોકો આગમાં ભૂંજાયા છે, કેટલાય પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે. પરંતુ કોઇ યોગ્ય કાર્યવાહી થઇ શકી નથી. જેને લઇને કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.