રાજકોટ: રાજકોટના પનોતાપુત્ર અને પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીની વિમાન દુર્ઘટનામાં આકસ્‍મિક વિદાય બાદ પાર્થિવદેહ  આજે સવારે હોસ્‍પીટલ તંત્ર દ્વારા સદગતના મૃતદેહની પરિવારજનોને સોંપણી કરવામાં આવી હતી. તે પછી ખાસ વિમાન દ્વારા તેમના પાર્થિવદેહને રાજકોટ લાવવામાં આવ્‍યો હતો. બપોરે 2.15  કલાકે રાજકોટના આંતરરાષ્‍ટ્રીય એરપોર્ટ ઉપર પાર્થિવ દેહ લાવવામાં આવતા ભારે ગમગીની જોવા મળી હતી. વિજયભાઈનો પાર્થિવદેહ રાજકોટમાં લાવવામાં આવતા શહેર હીબકે ચઢ્યું છે. પુષ્પવર્ષા કરી લોકો વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. 

વિજયભાઇ અમર રહોના નારા લાગ્‍યા

સૌ કોઇની આંખો ભીની થઇ ગઇ હતી.એરપોર્ટથી રાજકોટના વિવિધ માર્ગો પર ફરી પાર્થિવ દેહ તેમના નિવાસસ્‍થાને લઇ જવાતા વાતાવરણ ભારેખમ થઇ ગયુ હતુ અને વિજયભાઇ અમર રહોના નારા લાગ્‍યા હતા. ગ્રીનલેન્‍ડ ચોકડીથી તેમના મૃતદેહને તેમના નિવાસસ્‍થાને લવાતા કરૂણ દ્રશ્‍યો સર્જાયા હતા. 

હૈયાફાટ રુદનથી માહોલ શોકાતુર બન્‍યો

હૈયાફાટ રુદનથી માહોલ શોકાતુર બન્‍યો છે. તેમના પાર્થિવદેહને અંતિમદર્શન માટે રાખવામાં આવશે. રાજકોટના નાગરિકો અને આગેવાનો સદગતને અંતિમ શ્રદ્ધાંજલિ  અર્પણ કરશે.  સાંજે 5  વાગ્‍યા બાદ તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્‍થાનેથી શરૂ થઇ રામનાથ યશ સ્‍મશાન ગૃહે જશે. અંહી સંપૂર્ણ રાજકીય માન સન્‍માન સાથે સ્‍વ. વિજયભાઇના  અંતિમ સંસ્‍કાર થશે. 

જ્યારે પરિવાર  પાર્થિવ દેહ માટે હોસ્પિટલ પહોંચ્યો પરિવાર માટે આ ખૂબ જ  કપરી ઘડી હતી. જ્યારે પરિવાર તાબૂત પાસે તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા તો તેમનો ધીરજનો બાંધ તૂટી ગયો હતો. અજંલિ બેન તેમના પતિ વિજયભાઇ રૂપાણીના અંતિમ દર્શન કરતા રડી પડ્યાં હતા. તેઓ ખૂબ જ ભાવુક બની ગયા હતા ત્યારબાદ તેમના પુત્ર ઋષભ રૂપાણી પહોંચ્યા હતા અને તેમણે પિતાના અંતિમ દર્શન કર્યાં હતા. પરિવાર આ ક્ષણે ખૂબ જ ભાવુક થઇ ગયો હતો.

પાર્થિવ દેહને નિવાસ સ્‍થાને દર્શન માટે મુકાશે. ત્‍યાં તેમને સંપુર્ણ રાજકીય સન્‍માન આપવામાં આવશે. ત્‍યાર બાદ સાંજે 5 વાગ્‍યા બાદ તેમના સંપુર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્‍કાર કરવામાં આવશે. 5 થી 6  નિવાસસ્‍થાનેથી રામનાથપરા સ્‍મશાન સુધીની અંતિમ યાત્રા.

અમદાવાદ વિમાન દૂર્ઘટનામાં 275 લોકોના મોત થયા

અમદાવાદ વિમાન દૂર્ઘટનામાં 275 લોકોના મોત થયા છે. 12 જૂને બપોરે 1.40 વાગ્યે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ક્રેશ થઇ હતી.  જેમાં વિમાનમાં સવાર 241 મુસાફરોના મોત થયા હતા જ્યારે આ દૂર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ જીવિત બચ્યો હતો. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ થતાની ગણતરીની સેકન્ડોમાં જ બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું હતું. આ ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફરો સિવાય મેડિકલ હોસ્ટેલની મેસમાં રહેલા તેમજ આસપાસ રહેતા કેટલાક લોકોના પણ મોત થયા હતા.