જન્માષ્ટમી પર સૌરાષ્ટ્રમાં એક પણ લોકમેળો નહીં યોજાય! ગુજરાત મેળા એસોસિએશનનું સરકારને અલ્ટીમેટમ, જાણો શું કરી માંગ...
TRP ગેમઝોન દુર્ઘટના બાદ બનેલી SOP સામે મેળા સંચાલકો મેદાને; ફાઉન્ડેશન, રાઈડ્સના બિલ અને ઓપરેટર લાયસન્સના મુદ્દે અડગ.

Janmashtami fairs cancelled Saurashtra: રાજકોટમાં ગત વર્ષે TRP ગેમઝોનમાં બનેલી દુર્ઘટના બાદ સરકારે રાઈડ્સધારકો માટે બનાવેલી કડક SOP (Standard Operating Procedure) ને લઈને ગુજરાત મેળા એસોસિએશને સરકાર સામે મોરચો માંડ્યો છે. જન્માષ્ટમીમાં યોજાતા સૌરાષ્ટ્રના ભાતીગળ લોકમેળા અગાઉ જ આ વિવાદે જોર પકડ્યું છે. આજે રાજકોટમાં યોજાયેલી 'ઓલ ગુજરાત મેળા એસોસિએશન'ની બેઠકમાં ૨૦ વર્ષ જૂના એસોસિએશન સાથે જોડાયેલા ૪૫૦ સભ્યોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ચર્ચાના અંતે એવો આકરો નિર્ણય લેવાયો છે કે, જો સરકાર દ્વારા SOP માં છૂટછાટ નહીં મળે, તો ગુજરાતમાં થતા ૪૦૦૦ થી પણ વધુ મેળાઓનો સંપૂર્ણ બહિષ્કાર કરાશે. એસોસિએશન એક પણ જગ્યાએ ફોર્મ પણ નહીં ઉપાડે અને હરાજીમાં પણ જોડાશે નહીં.
કડક SOP ના કયા મુદ્દાઓ પરેશાન કરે છે?
ગુજરાત મેળા એસોસિએશનના સભ્ય પરેશ ભટ્ટે જણાવ્યું હતું કે, TRP ગેમઝોન દુર્ઘટના બાદ મેળામાં રાઈડ્સ માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી ૧૦ મુદ્દાની SOP માંથી અમુક મુદ્દાઓ મેળા સંચાલકો અને રાઈડ્સધારકો માટે અત્યંત મુશ્કેલ અને અવ્યવહારુ છે:
૧. સિમેન્ટના ફાઉન્ડેશન: રાઈડ્સ સિમેન્ટના ફાઉન્ડેશન ઉપર તૈયાર કરવાનો નિયમ. આનો ખર્ચ ખૂબ જ વધારે હોવાથી નાના મેળાના વેપારીઓને પોસાય તેમ નથી. ૨. રાઈડનું બિલ: રાઈડનું બિલ માંગવામાં આવે છે. પરંતુ, મોટાભાગની રાઈડ્સ એસેમ્બલ હોય છે અને ૧૦ થી ૧૫ વર્ષ જૂની હોય છે, જેથી તેનું કોઈ મૂળ બિલ હોતું નથી. ૩. રાઈડ્સ ઓપરેટરનું લાયસન્સ: રાઈડ્સ ઓપરેટરનું લાયસન્સ માંગવામાં આવે છે, જે હાલની પરિસ્થિતિમાં શક્ય જ નથી.
"નિયમો હળવા નહીં થાય તો ગુજરાતના તમામ લોકમેળાનો બહિષ્કાર કરીશું"
પરેશ ભટ્ટે વધુમાં જણાવ્યું કે, ગુજરાત મેળા એસોસિએશનમાં રજીસ્ટર થયેલા ૪૫૦ સભ્યો છે અને આ લોકમેળાઓ ઉપર હજારો લોકોનું ગુજરાન ચાલે છે. ગુજરાતમાં ૨ દિવસથી લઈને ૭૦ ૯૦ દિવસ સુધીના ૪,૦૦૦થી પણ વધુ મેળાઓ થાય છે. જો આ મુદ્દાઓને લઈને સરકાર દ્વારા હળવા નિયમો કરવામાં નહીં આવે, તો સમગ્ર ગુજરાતના તમામ લોકમેળાઓનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે.
"પૌરાણિક મેળાઓ અને પબ્લિક સેફ્ટીને SOP લાગુ પડતી નથી"
અમદાવાદથી આવેલા મેળા એસોસિએશનના સભ્ય કૃણાલ ભટ્ટે પણ જણાવ્યું હતું કે, મેળા બાબતે સરકાર દ્વારા જે SOP બનાવવામાં આવી છે, તેને અને પબ્લિક સેફ્ટીને કંઈ લાગતું વળગતું નથી. તેમણે દલીલ કરી કે આ મેળાઓ પૌરાણિક કાળથી થતા આવે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી હતા, ત્યારે જે રીતે મેળા માટે પરમિશન આપતા હતા, તે પ્રકારની પરમિશન તંત્ર દ્વારા આપવામાં આવે તેવી માંગણી કરી હતી.
કૃણાલ ભટ્ટે આક્ષેપ પણ કર્યો હતો કે, કડક SOP સાથે એક પણ જગ્યાએ મેળા યોજવા શક્ય નથી, પરંતુ ગત વર્ષે અમુક જગ્યાએ જે મેળાઓ યોજાયા હતા, તે કદાચ કોઈની ભલામણથી, રાજકીય વગથી અથવા તો ભ્રષ્ટાચારથી યોજવામાં આવ્યા હોય તેવું તેમને લાગી રહ્યું છે. તેમણે રાજકોટમાં નેતાગીરીની કમી દેખાતી હોવાનું પણ જણાવ્યું, કારણ કે રાજ્ય સરકાર સમક્ષ અનેક વખત રજૂઆત કરવા છતાં તેમની સાથે કોઈ વાતચીત કરવામાં આવી નથી.
ખુલ્લા મેદાનના મેળાઓ માટે SOP અવ્યવહારુ
ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશન દ્વારા રાજકોટ સિટી રાઈડ ઇન્સ્પેક્શન એન્ડ સેફ્ટીના ચેરમેનને કરેલી રજૂઆતમાં પણ જણાવાયું છે કે, TRP ગેમઝોન અકસ્માત બાદ લોકોની સલામતી માટે સરકારે ખુલ્લા ગ્રાઉન્ડમાં યોજાતા ધાર્મિક મેળા, આનંદ મેળાની મનોરંજન રાઈડ્સ માટે SOP બહાર પાડી છે. જોકે, આ SOP ના નિયમો મોટી રિફાઈનરીની મશીનરી, ફેક્ટરીના મશીનરી અને મોટા કાયમી પાર્કની રાઈડ્સ કે AC હોલમાં ચાલતા ગેમઝોન માટેના નિયમો છે. મશીનરી બનાવતી કંપની દ્વારા ડિઝાઈન અને ઓપરેશનની જાણકારીની બુકલેટ, બિલ, ઉત્પાદનકર્તા દ્વારા નક્કી થતી સમયમર્યાદા વગેરે બાબતો કાયમી પાર્ક માટે યોગ્ય છે, પરંતુ હંગામી ધોરણે ખુલ્લા ગ્રાઉન્ડમાં યોજાતા મેળા માટે આ SOP ના નિયમોનો અમલ કરવો મુશ્કેલ જ નહીં, પણ અશક્ય છે.





















