Rajkot News:રાજકોટ સિવિલ હોસ્પિટલના રોડ અને રસ્તા અત્યંત ખરાબ છે. લાંબા સમયથી આ રસ્તા બિસ્માર હાલતમાં છે પરંતુ કોઇ સુઘાર ન થતાં રોજ અહીં આવતા બીમાર દર્દીની તકલીફમાં વધારો થઇ રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, આ સૌરાષ્ટ્રની એક માત્ર મોટી સરકારી હોસ્પિટલ હોવાથી અહી સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ આવે છે. 


 આ પહેલા સિવિલ સુપ્રિટેન્ડન્સ સાથે એબીપી અસ્મિતા એ વાત કરી હતી, ત્યારે તેમને કહ્યું હતું કે ટૂંક સમયમાં રોડ બની જશે પરંતુ એ  વાતને પણ આજે  ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં હજી સુધી સિવિલ હોસ્પિટલમાં રસ્તાની હાલતમાં હજુ પણ સુધારો નથી થયો. ખાસ કરીને વધુ ગંભીર દર્દીનું પીડા આ ખાડાવાળા રસ્તા વધારી રહ્યું છે. અહી  એમ્બ્યુલન્સમાં આવતા દર્દીઓ અને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં સ્ટ્રેચર પર જતા દર્દીઓ પણ ખરાબ રસ્તાના કારણે  પરેશાન થાય છે. ખાસ કરીને ઓપરેશન વાળા દર્દીઓને પણ ખરાબ રસ્તાના કારણે  પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અમારા સંવાદદાતાએ જ્યારે આ મુદ્દે દર્દીઓ સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે, એક વોર્ડમાંથી સ્ટ્રેચરમા બીજા વોર્ડ સુધી પહોંચતા શરીરનો દુખાવો વધી જાય છે. આવા અનેક બીમાર દર્દીઓ અને તેના સ્વજનોએ તેમની મુશ્કેલી વર્ણવી હતી. લોકોની તકલીફને ધ્યાનમાં લેતા રાજ્યના આરોગ્ય વિભાગ અને સરકારે સિવિલના રોડ રસ્તા મુદ્દે ગંભીરતા દાખવવાની જરૂર છે.


અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદે  પાલિકાની નબળા  કામની પોલ ખોલી દીધી છે. અહીં પણ વરસાદ બાદ રસ્તાની સ્થિતિ બદતર બની છે.  સાવરકુંડલા ખાંભા સ્ટેટ હાઇવે આ સ્ટેટ હાઇવે ઉપરથી અનેક વાહનો પસાર થાય છે અને આ સ્ટેટ હાઇવે મહત્વનો છે પરંતુ આ મુખ્ય હાઇવે પર પણ  વરસાદ બાદ મસમોટા ખાડા પડી ગયા છે.  વરસાદી પાણી ભરાતા અકસ્માત સર્જાય છે. ખરાબ રસ્તો હોવાંને  કારણે વાહન ચલાવવું મુશ્કેલ  બની રહ્યું છે. અહી થી પાસર થતા વાહન ચાલકો હાલકી નો સામનો કરી રહ્યા છે ખાસ કરી ને આ સ્ટેટ હાઇવે હોવાને કારણે સોમનાથ કોડીનાર ઉના જાફરાબાદ ખાંભા જવા માટે લોકો આ રસ્તા ઉપર થી પસાર થાય છે આ રસ્તો ખખડધજ બનતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે અવારનવાર રસ્તા પર પડેલા ખાડા તંત્ર દ્વારા પૂરવામાં આવે છે જેવો વરસાદ પડે ત્યાંરે ફરી આની આ સ્થિતિનું નિર્માણ થાય છે.