રાજકોટઃ વડાપ્રધાન મોદીએ રાજકોટના આટકોટમાં કે.ડી. પરવાડિયા હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. બાદમાં કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન મોદીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ જનતાનો આભાર માન્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ હોસ્પિલથી આરોગ્યની સુવિધામાં વધારો થશે. સરકારના પ્રયાસોમાં સમાજનો સાથ મળે ત્યારે ઉત્સાહમાં વધારો થાય છે. કેન્દ્રમાં એનડીએ સરકારને આઠ વર્ષ પૂર્ણ થયા છે. સમયની સાથે સાથે નાગરિકોનો પ્રેમ અમારા માટે વધતો રહે છે. ગુજરાતે જે સંસ્કાર આપ્યા તે માટે ગુજરાત અને નાગરિકોને વંદન છે. ગુજરાતે આપેલા સંસ્કારથી માતૃભૂમિની સેવામાં કોઇ કચાશ રાખી નથી.






વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે માતૃભૂમિની સેવા કરવી તે પૂજ્ય બાપુ અને સરદાર પટેલની ભૂમિના સંસ્કાર છે. આઠ વર્ષમાં મે એવું કાંઇ કાર્ય કર્યું નથી જેનાથી દેશ અને નાગરિકોનું માથુ ઝૂકી જાય. સ્વચ્છતા અને આરોગ્ય જીવન પદ્ધતિનો ભાગ બને તેવા પ્રયાસ કરાયા છે. ત્રણ કરોડથી વધુ ગરીબોને પાકા મકાન, 10 કરોડથી વધુ લોકોને શૌચાલય અપાયા છે. અઢી કરોડથી વધુ પરિવારોને વીજળી કનેક્શન આપવામાં આવ્યા છે. છ કરોડથી વધુ પરિવારોના ઘર સુધી પાણી પહોંચાડવામાં આવ્યું છે. ગરીબોને પાંચ લાખ સુધીની મફત સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. અમારી સરકાર દેશ અને ગરીબની હંમેશા સેવા કરતી રહી છે.






વડાપ્રધાને કહ્યું કે રાજ્ય સરકારોને પણ સતત કામ માટે પ્રેરિત અને સહાયતા કરીએ છીએ. પટેલ સેવા સમાજને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. આમાંથી પ્રેરણા લઇ અનેક લોકો સમાજ માટે કઇ કરવાની ઇચ્છા રાખે છે.


વડાપ્રધાને ભૂપેન્દ્ર પટેલ સરકારના વખાણ કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે એઇમ્સનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. જામનગરમાં  વિશ્વના સૌથી મોટા ટ્રેડિશન મેડિસિન સેન્ટરનું શિલાન્યાસ કરવામાં આવ્યુ છે. અગાઉ ગુજરાતમાં માત્ર નવ મેડિકલ કોલેજ હતી આજે સરકારી અને ખાનગી મળીને 30 મેડિકલ કોલેજ છે. કેન્દ્ર અને રાજ્યમાં એક જ સરકાર હોવાથી ગુજરાતનો વિકાસ વેગવંતો બન્યો છે.






વડાપ્રધાન મોદીએ નામ લીધા વિના યુપીએની પૂર્વ સરકાર પર પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે યુપીએની સરકારે ગુજરાતનો વિકાસ રુંધ્યો હતો. સરદાર સરોવરની યોજનામાં પણ યુપીએની કેન્દ્ર સરકારે રોડા નાખ્યા હતા.


પીએમ મોદીએ કહ્યું કે 26 મેના રોજ એનડીએ સરકારના 8 વર્ષ પૂર્ણ થયા છે. ખેડૂતોના ખાતામાં પૈસા સીધા જમા થયા છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્રને અનુસરીને આપણે દેશના વિકાસને નવી ગતિ આપી છે.