Dress Code For Entering Temple: રાજ્યના અનેક મોટા મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ છે ત્યારે હવે રાજકોટ શહેરના 100થી વધારે મંદિરોમાં પ્રવેશને લઈને ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે. આ માટે મંદિરોમાં પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. પોસ્ટર અનુસાર મંદિરમાં કેપ્રિ, બરમુંડા, સ્લાવલેસ, ફાટેલા જીન્સ, મિની સ્કર્ટ પહેરીને પ્રવેશ નહિ કરવાની સૂચના દર્શાવવામાં આવી છે. સનાતન સ્વરાજ નામની સંસ્થાએ આ પોસ્ટર લગાવ્યા છે.


દ્વારકામાં ડ્રેસ કોડ


ગુજરાતમાં પશ્ચિમ સંસ્કૃતિને તિજાંજલિ આપવાનો એક અનોખો પ્રયાસ દ્વારકામાંથી થયો છે. જગતમંદિર દ્વારકામાં કોઇપણ વ્યક્તિ ટુંકા કપડાં પહેરીને મંદિરમાં નહીં જઇ શકે. અહીં ટૂંકાં વસ્ત્રો પર 'NO ENTRY'ના બૉર્ડ પણ લાગ્યા છે. માહિતી પ્રમાણે, જગત મંદિર દ્વારકામાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ મંદિરની ગરિમા જાળવવા માટે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે, ભાવિક ભક્તોની લાગણીઓને ઠેસ ના પહોંચે તે માટે આ મહત્વનો નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યુ છે. આ નિર્ણયના બૉર્ડ પણ લગાવવામા આવ્યા છે, જેમાં દર્શનાર્થીઓને સૂચન આપતાં ગુજરાતી-હિન્દી-અંગ્રેજીમાં બેનરો સામેલ છે.


તાજેતરમાં, આગ્રા-મથુરાના મંદિરોમાં આવતા ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કર્યા પછી, ઘણા જિલ્લાઓના મંદિરોમાં આવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે અને ભક્તોને મંદિરમાં હિન્દુ સંસ્કૃતિનું પાલન કરવા વિનંતી કરવામાં આવી રહી છે. તેમને યોગ્ય ડ્રેસ પહેરવા માટે કહેવામાં આવી રહ્યું છે. હવે હાપુડના પ્રસિદ્ધ મુક્તેશ્વર મહાદેવ મંદિરનું નામ પણ સામેલ છે, જ્યાં હવે ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ફાટેલા જીન્સ, શોર્ટ્સ, ફ્રોક્સ અને નાઈટ સૂટ જેવા કપડા પહેરીને મંદિરમાં આવતા ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં.


ગઢ કે રાજા શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિર પ્રશાસન તરફથી મંદિરની બહાર અને અંદર પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેમાં ભક્તોને મંદિરની અંદર યોગ્ય વસ્ત્રો પહેરવાની અપીલ કરવામાં આવી છે. મંદિર પ્રશાસનનું કહેવું છે કે મંદિરની અંદર ચીંથરેહાલ અને ટૂંકા કપડા પહેરવાથી મંદિરની ગરિમા ખરાબ થાય છે. ભક્તોએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. જો ભક્તો આવા કપડા પહેરીને આવશે તો તેમને મંદિરમાં પ્રવેશ મળશે નહીં અને તેઓ બહારથી જ ભગવાનના દર્શન કરી શકશે.