Saurashtra rain after heatwave: આખા દિવસના અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી બાદ આજે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રાજકોટ શહેર સહિત અમરેલી જિલ્લાના રાજુલા, ખાંભા ગીર અને સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બોટાદ શહેરમાં પણ હળવા પવન સાથે વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. આ ઉપરાંત, હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, નવસારી સહિતના જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જે ચોમાસાના આગમનના સંકેતો આપી રહી છે.
કાળઝાળ ગરમી અને બફારાથી ત્રસ્ત ગુજરાતના લોકોને આજે બપોર બાદ મેઘરાજાએ થોડી રાહત આપી છે. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, બોટાદ અને ગીર સોમનાથ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાંથી લઈને ધોધમાર વરસાદ વરસ્યો હતો.
રાજકોટમાં ધોધમાર વરસાદ અને વૃક્ષ ધરાશાયી:
રાજકોટ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રેસકોર્સ, કાલાવડ રોડ, જામનગર રોડ, સદર બજાર, ત્રિકોણ બાગ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, યાજ્ઞિક રોડ સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે શહેરીજનોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી હતી. જોકે, કૃષ્ણનગર મેઈન રોડ પર ભારે પવનના કારણે એક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. ગઈકાલે રાજકોટ ગ્રામ્યમાં વરસાદ પડ્યા બાદ આજે શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
અમરેલી જિલ્લામાં મેઘમહેર:
અમરેલી જિલ્લામાં પણ અસહ્ય ગરમી વચ્ચે વાતાવરણ પલટાયું હતું. રાજુલા શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. અમરેલીના આગરીયા, માંડરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો, જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. અમરેલી જિલ્લામાં આજે બીજા દિવસે પણ વરસાદ યથાવત રહ્યો હતો, જેમાં લાઠીમાં ધીમી ધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ખાંભા ગીરમાં તોફાની બેટિંગ:
ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં, ખાસ કરીને નાની ધારી, લાસા, ધાવડીયા, ભાડ, નાના વિસાવદર, ઉમરીયા, અને નાનુડી જેવા ગામોમાં ધોધમાર અને તોફાની વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે નદી નાળાઓ છલકાઈ ગયા હતા અને નાના વિસાવદર તેમજ ભાડ ગામની શેરીઓમાં પાણી વહેતા થયા હતા. વાવણી લાયક વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નાના વિસાવદર ગામની સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યું હતું.
બોટાદ શહેરમાં પણ વરસાદ:
બોટાદ શહેરમાં પણ હળવા પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ભાવનગર રોડ, પાળીયાદ રોડ, ટાવર રોડ, હવેલી ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ભારે બફારા અને ગરમી વચ્ચે લોકોને રાહત મળી હતી.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી:
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે પણ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરી છે. ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, નવસારી જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પૂર્વીય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થઈ શકે છે. પવનનું જોર પણ રહેશે, જે ચોમાસુ નજીક હોવાનો સંકેત આપી રહ્યું છે.