રાજકોટ: સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. વિસાવદરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. બપોર સુધી અસહ્ય ઉકળાટ બાદ અચાનકથી વિસાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. આ તરફ જૂનાગઢ શહેરના અલગ-અલગ વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો છે. જોશીપુરા, કાળવા ચોક, આઝાદ ચોક, વણઝારી ચોક સહિતના વિસ્તારોમાં પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો.
વરસાદ વરસતા શહેરીજનોને ગરમીમાંથી આંશિક રાહત મળી. જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. મેંદરડામાં પણ પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ વરસ્યો હતો. ધાવા, સુરવા, બોરવાવ, જાંબુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે. જામનગર જિલ્લાના જામજોધપુરમાં પણ બપોર બાદ પવન સાથે વરસાદ વરસ્યો હતો. સ્ટેશન રોડ, આઝાદ ચોક, બાલમંદિર રોડ, મીની બસ સ્ટેશન, તિરૂપતી સોસાયટી સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ
ગીર સોમનાથના તાલાલા, કોડીનાર અને સુત્રાપાડમાં વરસાદ વરસ્યો છે.
ધોરાજીમાં વરસાદ
ધોરાજીમાં સતત બીજા દિવસે મેઘરાજાની પધરામણી થઈ છે. ધોરાજીમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. ધોરાજીના ગેલેક્સી ચોક, સરદાર ચોક, જેતપુર રોડ, જમનાવડ રોડ, સ્ટેશન રોડ સહીતના વિસ્તારોમાં બીજા દિવસે મેઘ મહેર થઈ છે. સતત બીજા દિવસે વરસાદ શરૂ થતા જગતનો તાત ખુશખુશાલ થયા છે. કપાસ મગફળી, સોયાબીન જેવા આગોતરા પાકને લાભ થશે. સતત બીજા દિવસે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
હવામાન વિભાગની વરસાદને લઈ આગાહી
ગુજરાતમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી કરી છે. આજે 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે રાહતના સમાચાર લઈને આવી છે, જ્યાં લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે.
ગુજરાતમાં એક-બે દિવસ બાદ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઇ જશે. દક્ષિણ બાદ ઉત્તરના રાજ્યોમાં ચોમાસું એક્ટિવ થશે, પરંતુ હાલમાં વરસાદે કેટલાક ભાગોમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. હાલમાં જ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે, આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. હવામાનના તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં આજે 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, ચાર જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદનું અનુમાન સેવાઇ રહ્યું છે. આજે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અરવલ્લી, મહિસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.