Rajkot : પૈસા આપવાની લાલચ આપી કારમાં લઈ જઈને 8 શખ્સોએ યુવતી પર ગુજાર્યો સામૂહિક બળાત્કાર
યુવતીને કારમાં બેસાડી ગોંડલ પાસેની વાડીમાં લઈ જઈને માર મારી આઠ જેટલા સખ્સોએ બળાત્કાર ગુજાર્યો હતો. યુવતી હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રાજકોટઃ પરિચીત શખ્સે યુવતીને પૈસા આપવાની લાલચ આપી કારમાં લઈ જઈ અન્ય શખ્સો સાથે મળી હવસનો શિકાર બનાવી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીને કારમાં બેસાડી ગોંડલ પાસેની વાડીમાં લઈ જઈને માર મારી આઠ જેટલા સખ્સોએ બળાત્કાર ગુજાર્યો હતો. યુવતી હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અન્ય એક ઘટનામાં કચ્છના પાટનગર ભુજમાં ખાખીને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. પોલીસ કોન્સ્ટેબલે મહિલા કોન્સ્ટેબલને લગ્નની લાલચ આપીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ફરિયાદ થતાં પોલીસબેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. પશ્ચિમ કચ્છ મહિલા પોલીસે કોન્સ્ટેબલ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
મહિલા પોલીસ કર્મચારીએ ભુજ "A"ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ક્વાર્ટર, ખાવડા પોલીસ લાઈન, અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં બળાત્કાર ગુજાર્યો હતો. લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું બાદમાં બીજા લગ્ન કરી લીધા હતા. પશ્ચિમ કચ્છ ભૂજ A DIVISION પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
અન્ય એક ઘટનામાં, મહેસાણાના ભાસરીયા પાસેથી યુવકની નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે. મંડાલી ગામના યુવાનની લાશ મળી આવી છે. યુવાનના શરીર પર મૂઢ માર મારવાના નિશાન મળી આવ્યા છે. ત્યારે યુવાનની હત્યા થઈ હોવાની આશંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
જોકે, યુવક નિર્વસ્ત્ર હાલતમાં અહીં કેવી રીતે આવ્યો તેમજ તેની હત્યા થઈ છે તો કોણે અને કેમ કરી તે સમગ્ર પ્રશ્નોના જવાબ પોલીસ તપાસ પછી સામે આવી શકે છે. હાલ તો આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.