Rajkot: રાજકોટમાં સમાજ માટે ચેતવણીરૂપ ઘટના બની હતી. મિત્રો સાથેની મોજમસ્તીની થોડીક ક્ષણો કેવી રીતે પરિવારને આઘાત આપતી જાય છે તેવી ઘટના પ્રકાશમાં આવી હતી. રાજકોટના વાલાસણ ગામે લગ્ન પૂર્ણ કર્યા બાદ પત્ની પાસે જાય તે અગાઉ વરરાજાનું એક કાર અકસ્માતમાં કરુણ મોત થયું હતું.


મળતી જાણકારી અનુસાર, રાજકોટના વાલાસમ ગામે લગ્ન બાદ વરરાજા પોતાની પત્ની પાસે જાય તે અગાઉ તેના કેટલાક મિત્રો તેને નાસ્તો કરવા માટે બહાર લઇ ગયા હતા. દરમિયાન રસ્તામાં જ સ્કોર્પિયો કાર પલટી ખાઇ જતા વરરાજાનું કમકમાટીભર્યું મોત થયું હતું. યુવકના મોતને પગલે જે ઘરમાં થોડા કલાકો અગાઉ લગ્નની શરણાઇઓ વાગી રહી હતી તે ઘરમાં માતમ છવાઇ ગયો હતો.




લગ્ન કર્યા બાદ મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો વરરાજા


રાજકોટનાં ઘંટેશ્વર નજીક SRP કેમ્પ પાસે આવેલા આસ્થા રેસિડેન્સીમાં રહેતા વાળા પરિવારના પુત્ર રવિરાજસિંહના લગ્ન હતા. પરિવારજનોએ તેમના વતન વાલાસણ ગામે લગ્નનું આયોજન કર્યું હતું. 27 ફેબ્યુઆરીના રોજ સાંજે વરરાજા રવિરાજસિંહ વાળાનું ફુલેકુ નીકળ્યું હતું. નાના એવા ગામમાં ફુલેકુ ફર્યા બાદ લગ્નના મંડપમાં ફેરા ફરવામાં આવ્યા છે.


લગ્ન બાદ રવિરાજસિંહના માતાએ નવદંપતિનું સામૈયું કર્યું હતું અને દુલ્હન બનીને આવેલી દીકરીના ઘરમાં કંકુ પગલાં પાડ્યા હતાં. આ પછી રવિરાજસિંહ પોતાની પત્ની પાસે જાય તે અગાઉ તેના કેટલાક મિત્રો તેની પાસે આવ્યા અને તેને નાસ્તો કરવાના બહાને ઘરની બહાર લઇ ગયા હતા. રવિરાજસિંહ સહિતના પાંચ મિત્રો સ્કોર્પિયો કાર લઇને વાલાસણથી પાનેલી ગામે નાસ્તો કરવા જઇ રહ્યા ત્યારે કાર રેલવે ફાટક પાસે જ પલટી જતા વરરાજા રવિવારજસિંહનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું.




કાર પલટી જતા વરરાજાનું મોત


ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કાર ધર્મરાજસિંહ જાડેજા ચલાવી રહ્યાં હતાં અને વાલાસણ-પાનેલી વચ્ચે ફાટક પાસે કારની વચ્ચે ભૂંડ આવી જતા કાર રેલવેના પુલ સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી.




અકસ્માતમાં કારમાં સવાર ફક્ત રવિરાજસિંહને જ ગંભીર ઇજાઓ પહોંચી હતી પરંતુ કારમાં સવાર અન્ય ચારને કાંઇ થયું જ નહોતું. નોંધનીય છે કે રવિરાજસિંહના પિતા હરદેવસિંહ વાળા એસઆરપી ગ્રુપ-13માં પીએસઆઇ તરીકે ફરજ બજાવતાં હતાં અને તાજેતરમાં જ તેઓ નિવૃત્ત થયા હતાં. ગત બુધવારે બપોરે રવિરાજસિંહ વાલાસણ ગામેથી અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં આખું ગામ હિબકે ચડ્યું હતું.