Rajkot BRTS driver video: રાજકોટ શહેરમાં BRTS બસ ચાલકોની બેદરકારી જાણે કે એક સામાન્ય બાબત બની ગઈ છે. અવારનવાર તેઓ અકસ્માતો સર્જતા હોય છે અને નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે. ત્યારે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટમાં સિટી બસના એક ડ્રાઇવરનો ચાલુ બસે સ્ટેરીંગ પર માવો ઘસતો વિડીયો વાયરલ થયો છે. આ ઘટનાથી ફરી એકવાર BRTS ડ્રાઇવરોની ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી છે, જે મુસાફરોના જીવને જોખમમાં મૂકે છે.
આ ઘટના રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર બની હતી, જ્યાં E25 નંબરની BRTS બસના ડ્રાઇવર માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી તરફ બસ ચલાવી રહ્યા હતા. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ડ્રાઇવર એક હાથે સ્ટેરીંગ પકડીને અને બીજા હાથે માવો કાઢીને ઘસી રહ્યા છે. આ બેદરકારી ભર્યું કૃત્ય મોટી દુર્ઘટના નોતરી શકે તેમ હતું, પરંતુ સદનસીબે કોઈ અકસ્માત થયો નથી.
આ વિડીયો વાયરલ થતા જ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ડ્રાઇવર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી. મુસાફરોએ જણાવ્યું હતું કે આવા ડ્રાઇવરો 50 જેટલા લોકોના જીવ જોખમમાં મૂકે છે અને ડ્રાઇવરોએ તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. માત્ર માવો ઘસવાની જ વાત નથી, પરંતુ આ પહેલા પણ ડ્રાઇવરો મોબાઈલ પર વાત કરતા હોવાના વિડીયો વાયરલ થયા હતા, જે દર્શાવે છે કે કેટલાક ડ્રાઇવરો મુસાફરોની સલામતીને ગંભીરતાથી લેતા નથી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજકોટ મહાનગરપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરી છે. મહાનગરપાલિકાએ મોરી ઇન્દ્રજીતસિંહ અજીતસિંહ નામના આ ડ્રાઇવરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે. વધુમાં, એવું પણ જાણવા મળ્યું છે કે આ ડ્રાઇવરે બે દિવસ પહેલાં પણ એક અકસ્માત સર્જ્યો હતો, જેમાં એક મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી.
હવે સવાલ એ ઉઠે છે કે લોકોના જીવ જોખમમાં મુકવા માટે જવાબદાર કોણ? શું માત્ર ડ્રાઇવર જવાબદાર છે કે પછી મહાનગરપાલિકા પણ તેની જવાબદારીમાંથી છટકી શકે નહીં? વારંવાર બનતી આવી ઘટનાઓ દર્શાવે છે કે મહાનગરપાલિકાએ ડ્રાઇવરોને તાલીમ આપવા અને તેમની કામગીરી પર દેખરેખ રાખવા માટે વધુ કડક પગલાં લેવાની જરૂર છે.
રાજકોટમાં માવાનું ચલણ વધુ હોઈ શકે છે, પરંતુ જાહેર પરિવહન સેવાના ડ્રાઇવરોએ એટલું તો સમજવું જ જોઈએ કે ચાલુ બસે આવા કૃત્યો કરવાથી કેટલું મોટું જોખમ ઊભું થઈ શકે છે. આ ઘટના એક ચેતવણી સમાન છે અને તંત્રએ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યોગ્ય પગલાં લેવા જોઈએ.
આ પણ વાંચો....