રાજકોટઃ કોરોનાની બીજી લહેર સૌરાષ્ટ્રમાં ભારે ઘાતક સાબિત થઈ છે. કોરોનાએ અનેક પરિવારના મોભી છીનવી લીધા છે તેમજ અનેક પરિવારનો માળો વેરવિખેર કરી રહ્યો છે. ત્યારે રાજકોટના સરધાર નજીક ઉમરાળી ગામમાં આહિર પરિવારના ત્રણ-ત્રણ સભ્યોના કોરોનામાં અવસાન થતા પરિવારમાં મામત છવાયો છે. 

Continues below advertisement

દેવરાજભાઈ ભાનુભાઈ હેરભાની પ્રેગનન્ટ દીકરી શીતલબેનને કોરોના થયો હતો. શીતલબેન બાળકને જન્મ આપ્યાના ચાર દિવસ બાદ તેમનું અવસાન થયું હતું. જેને કારણે 4 દિવસનો દીકરો માતા વિહોણો બન્યો છે. પૌત્રીના અવસાનથી આઘાતમાં સરી પડેલા દાદા ભાનુભાઈ ગોવિંદભાઈ હેરભાનું પણ નિધન થયું હતું. બાદમાં ભાનુભાઇના નાના દીકરા ભરતનું પણ કોરોનામાં નિધન થયું હતું. 

આમ, એક  જ અઠવાડીયામાં દાદા-પૌત્રી અને પુત્ર ભરતનું કોરોનાના કારણે અવસાન થતા પરિવાર ભાંગી પડ્યો હતો. બીજી તરફ એક જ પરિવારમાં ત્રણ-ત્રણ લોકોના મોતથી ઉમરાળી ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. 

Continues below advertisement

અમરેલી જિલ્લાના રાજુલામાં ફુલનો વેપાર કરતાં પરિવારમાં માત્ર પાંચ જ દિવસમાં પરિવારના ચાર સભ્યોના મોત થતાં આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. 

 

પાંચ જ દિવસમાં માતા-પિતા અને બે પુત્રો એમ પરિવારના ચાર સભ્યોના મોત થયા છે. મોટા દીકરાનું નિધન કોરોનાથી થયું હતું. જ્યારે તેના આઘાતમાં ત્રણ લોકોના હૃદય બેસી ગયા હતા. રાજુલામાં ફૂલના વેપારી મનસુખભાઈ પરમારને 17 દિવસ પહેલા કોરોના થયો હતો. 3 દિવસ ઘરે સારવારર લીધા બાદ સીટી સ્કેનનમાં ફેફસામાં 70 ટકા ઇન્ફેક્શન આવ્યું હતું. જેથી તેમને સારવાર માટે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

 

60 વર્ષીય મનસુખભાઈના પરિવારમાં અગાઉ કોઈ મોટી બીમારી આવી ન હતી. પરંતુ પુત્રને ઓક્સિજન પર જોઈ માતા જયાબેન પરમાર ( ઉં. વ. 75 )નું હૃદય બેસી ગયું. માતાના નિધનના બે જ દિવસમાં કોરોનાગ્રસ્ત મનસુખભાઈનું પણ મોત થયું હતું. મનસુખભાઈના મોતનો તેના પિતા પ્રફુલભાઈ પરમાર (ઉં. વ. 78 ) અને ભાઈ મનોજભાઈ ( ઉં. વ. 56)ને ખૂબ જ આઘાત લાગ્યો હતો. બે દિવસ પછી સવારે પ્રફુલભાઈનું હૃદય બેસી ગયું. પરિવાર તેની અંતિમવિધિ કરી પરત આવ્યો ત્યાં સાંજે મનોજભાઈનું પણ હૃદય બેસી જવાથી મોત થયું.

 

આમ, માત્ર પાંચ દિવસના ટૂંકાગાળામાં ઘરના તમામ વડીલો કાળના ગર્તામાં સમાઈ ગયા. એક જ પરિવારના ચાર-ચાર લોકોના મોતથી રાજુલા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મનસુખભાઈ પત્ની અને બે પુત્રો તથા મનોજભાઈ પત્ની અને પુત્ર પુત્રીને નોધારા છોડી ગયા હતા.