Rajkot Crime News: રાજકોટમાં ફરી એકવાર અકસ્માતનો સિલસિલો સામે આવ્યો છે. તાજેતરમાં જ એક વિદ્યાર્થિનીને એક ડમ્પરે અડફેટે લેતા મોત થયુ છે, જે પછી શહેરમાં આરટીઓ અને તંત્ર સામે રોષ ફેલાયો છે. શહેરના હનુમાન મઢી ચોકમાં કૉલેજની વિદ્યાર્થિની જુહી નડિયારાને ડમ્પરે અડફેટે લેતા તેનું મોત થયુ હતુ. ડમ્પર ચાલક ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના અંગે તંત્ર અને પોલીસનું મૌન છે, ભાજપના સાંસદ રામ મોકરિયઆએ પણ મોતની ઘટના સામે સવાલો ઉઠાવ્યા છે.
રાજકોટમાં ડમ્પરની અડફેટે એક વિદ્યાર્થિનીના મોત બાદ મામલો ગરમાયો છે, ભાજપના સાંસદ રામ મોકરિયાએ પણ તંત્ર અને આરટીઓને આડેહાથે લીધુ છે. ઘટનાની વિગતો એવી છે કે, રાજકોટ શહેરમાં ભારે વાહનોને લઇને પ્રજા ત્રસ્ત બની છે. શહેરમાં આવેલા હનુમાન મઢી ચોક વિસ્તારમાં એક કૉલેજીયન યુવતીને ડમ્પરે ટક્કર મારી અને તેનુ મોત થયુ હતુ. જુહી નડિયારા નામની યુવતી કૉલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને જેને GJ-36-T-0197 નંબરના ડમ્પરે અડફેટે લીધી અને ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ. આ ડમ્પર ધીરજા ગોહિલ નામના શખ્સના નામે આરટીઓમાં રજિસ્ટર થયેલો છે. જોકે, ટક્કર બાદ ડમ્પર ચાલક ફરાર થઇ ગયો હતો. હાલમાં શોધખોળ ચાલી રહી છે.
'રોડ નહિ તો ટોલ નહીં', રાજકોટ-જેતપુર હાઈવેને લઈ આક્રોશ
રાજકોટ-જેતપુર હાઇવે મુદે જનહિત હાઇવે હકક આંદોલન સમિતિ દ્વારા જોરદાર વિરોધ પ્રરદર્શન કરવામાં આવ્યું હતું. પહેલા ‘રોડ પછી ટોલ'ના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, કૉંગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઇ, પાલભાઈ આંબલીયા અને રાજકોટ શહેર અને જિલ્લાના કૉંગ્રેસના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હાઇવે આંદોલન સમિતિએ કલેકટરને રજૂઆત કરી હતી કે પહેલા ટોલ લેવાનું બંધ કરો. ડાઇવર્ઝન પણ 4 લાઇન વાળો આપો. કલેકટરે નેશનલ હાઇવે-પોલીસની મીટીંગ બોલાવવાની ખાત્રી આપી હતી. મીટીંગ બોલાવો ત્યારે અમારા આગેવાનોને પણ બોલાવો. કલેકટર કચેરીની અંદર રામધૂન બોલાવવામાં આવી હતી. રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા પણ આંદોલનને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ અનોખો વિરોધ કર્યો હતો. કેટલાક લોકો માથા પર પાટા બાંધીને આવ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ ભારે સૂત્રોચાર કર્યા હતા કે રોડ નહીં તો ટોલ નહીં.