Rajkot crypto scam: રાજકોટના રાજકારણમાં એક મોટા કૌભાંડના આક્ષેપોને કારણે ગરમાવો આવી ગયો છે. મહેશ નાનજીભાઈ હિરપરા નામના એક અરજદારે મુખ્યમંત્રી કાર્યાલય અને રાજકોટ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરીને નફો કમાઈ આપવાની લાલચ આપી તેમની સાથે કુલ 4 કરોડ 28 લાખ 46 હજાર રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલામાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાનું નામ સામે આવતા વિવાદ વકર્યો છે. જોકે, અલ્પેશ ઢોલરિયાએ તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને પોતાનો બચાવ રજૂ કર્યો છે.
શું છે ફરિયાદી મહેશ હિરપરાનો દાવો?
પોલીસ કમિશનરને કરેલી અરજીમાં મહેશ હિરપરાએ જણાવ્યું છે કે, મુંબઈમાં રહેતા હરિ ભગત તેમના સગા થાય છે. માર્ચ મહિનામાં હરિ પટેલે તેમને વિદેશમાં રોકાણ કરવાની સ્કીમ વિશે વાત કરી હતી. આ વિશ્વાસના આધારે તેમણે પેમેન્ટ કર્યું હતું, જેમાં દર્પણ બારસિયાને મધ્યસ્થી રાખીને વ્યવહાર કરવામાં આવ્યો હતો. ફરિયાદીના જણાવ્યા મુજબ, તેમણે કુલ 4 કરોડ 28 લાખ 46 હજારનું જંગી રોકાણ કર્યું હતું. જ્યારે તેમણે રોકાણના પૈસા પરત માંગ્યા, ત્યારે સામેવાળા પક્ષે વારંવાર બહાના કાઢીને સમય લંબાવ્યો હતો.
ભાજપ કાર્યાલયમાં મિટિંગ અને ધમકીના આક્ષેપ
ફરિયાદીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જ્યારે તેઓ દર્પણ બારસિયા અને ગૌતમ બારસિયા સાથે મિટિંગ કરવા ગયા ત્યારે ત્યાં તેમની સાથે ગેરવર્તણૂક અને મારામારી કરવામાં આવી હતી. દર્પણ બારસિયાએ કથિત રીતે ધમકી આપી હતી કે તેમની પાસે પૈસા નથી અને અલ્પેશ ઢોલરિયા તેમની પડખે છે. ત્યારબાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અલ્પેશ ઢોલરિયા સાથે મિટિંગ થઈ હતી. મહેશ હિરપરાનો આરોપ છે કે આ મિટિંગમાં અલ્પેશ ઢોલરિયાએ કહ્યું હતું કે, "અમુક રકમ પાર્ટી ફંડમાં અપાઈ ગઈ છે, તેથી પૂરેપૂરું પેમેન્ટ પાછું નહીં મળે." ભાજપના નામે ધમકી આપી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
અલ્પેશ ઢોલરિયાનો બચાવ: "પાર્ટી મારી માં છે"
પોતાના પર લાગેલા ગંભીર આક્ષેપો બાદ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ મીડિયા સમક્ષ આવીને સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે, "મને તો એ પણ ખબર નથી કે ક્રિપ્ટો કરન્સી કેવા કલરની હોય છે." તેમણે વધુમાં ઉમેર્યું કે થોડા દિવસો પહેલા તેમને નવતમ સ્વામીનો ફોન આવ્યો હતો, ત્યારે પણ તેમણે કહ્યું હતું કે તેઓ કોઈને ઓળખતા નથી અને આ બાબતમાં તેમને કોઈ જાણકારી નથી.
"દોષિત સાબિત થાઉં તો જિલ્લો છોડી દઈશ"
અલ્પેશ ઢોલરિયાએ ભાવુક થઈને જણાવ્યું હતું કે, "ભારતીય જનતા પાર્ટી મારી માં સમાન છે અને તેના પર કોઈ આક્ષેપ કરે તો મને ખૂબ દુઃખ થાય છે." તેમણે ખુલ્લી ચેતવણી આપતા કહ્યું કે જો આ પ્રકરણમાં તેમનો એક પણ પોઈન્ટ જેટલો વાંક સાબિત થાય, તો તેઓ માત્ર પદ પરથી રાજીનામું નહીં આપે, પરંતુ રાજકોટ જિલ્લામાં પ્રવેશ પણ કરશે નહીં. તેમણે દાવો કર્યો કે આ તેમને બદનામ કરવાનું એક પૂર્વયોજિત કાવતરું છે અને તેમણે પણ સામે પોલીસમાં અરજી કરી છે. તેમણે એમ પણ કહ્યું કે ભૂતકાળમાં માર્કેટિંગ યાર્ડમાં લોન લીધી હોવાના ખોટા આક્ષેપો પણ તેમના પર થયા હતા.