Rajkot Game Zone Tragedy: રાજકોટ ગેમ ઝોન અગ્રિનકાંડ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. અગ્નિકાંડ બાદ ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશકુમાર ઝાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે હાલના કમિશ્નર રાજુ ભાર્ગવને લીવ રિઝર્વમાં મુકાયા છે. આ ઉપરાંત રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલની પણ બદલી કરાઇ છે.  રાજુ ભાર્ગવ અને વિધી ચૌધરીને નવુ પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. રાજુ ભાર્ગવ અને જેસીપી વિધી ચૌધરીને વેઈટિંગમાં રખાયા છે. સુધીર દેસાઈની પણ બદલી કરાઇ છે.  રાજકોટના નવા પોલીસ કમિશ્નર તરીકે બ્રજેશકુમાર ઝાની નિમણૂંક કરાઇ છે. વિધી ચૌધરીની જગ્યાએ મહેંદ્ર બગરીયાની નિમણૂંક કરાઇ છે. રાજકોટ પોલીસમાં ઝોન-2માં ડેપ્યૂટી નાયબ પોલીસ કમિશનર સુધિરકુમાર દેસાઈની પણ તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. સુધિર દેસાઈ હાલ કોઈ પોસ્ટિંગ નથી આપવામાં આવ્યું. તેમના સ્થાને જગદિશ બાંગવારે નિમણૂક આપવામાં આવી છે. 


13 લોકોના ડીએનએ થયા છે મેચ


રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલામાં 28 નિર્દોષ લોકોના મોત થયા છે. વધુ 4 વ્યક્તિઓના DNA રિપોર્ટ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 13 લોકોના DNA રિપોર્ટ મેચ થયા છે અને મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે.


કોણ છે રાજુ ભાર્ગવ


રાજુ ભાર્ગવ 1995 બેન્ચના  IPS અધિકારી  છે. IPS રાજુ ભાર્ગવ  ADGP ગાંધીનગર આર્મ્સ યુનિટમાં ફરજ પર હતા. IPS રાજુ ભાર્ગવ ગુજરાત કેડરના 1995 બેંચના એડિશનલ ડીજી રેન્કના IPS અધિકારી છે. IPS રાજુ ભાર્ગવ ગુજરાતમાંથી જ્યારે કેન્દ્રમાં પ્રતિનિયુક્તી પર ગયા હતા ત્યારે DIG રેન્કના અધિકારી હતાં. IPS રાજુ ભાર્ગવ ગુજરાતના મહત્વના જિલ્લા જેવા કે પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં એસપી તરીકે રહી ચુક્યા છે. પોલીસ ભવનમાં તેઓ ડીઆઇજી લો એન્ડ ઓર્ડર તરીકે પણ કાર્ય કરી ચુક્યા છે.


ગોઝારી દુર્ઘટનાને લઈને રાજકોટ બાર એસોસિએશન દ્વારા મોટો નિર્ણય લીધો છે. એસોસિએશનના પ્રેસિડેન્ટ બકુલ રાજાણીએ જણાવ્યું કે, 'મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે અમે નિર્ણય લીધો છે કે કોઈ પણ વકીલ આરોપીનો કેસ લડશે નહીં. મને આશા છે કે 3500 વકીલો જોડાશે. તેમ છતાં જો કોઈ વકીલ બહારથી આરોપીઓનો કેસ લડશે તો તેમને રોકવા માટે પણ અમે પૂરતા પ્રયાસ કરીશું. તેમજ જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવવી જોઈએ. રાજકોટ બાર એસોસિએશનના વાઈસ પ્રેસિડન્ટ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે, રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ બાર એસોસિએશનમાં જોડાયેલા તમામ સભ્યોને જે આરોપીઓ છે, જવાબદાર છે તેવા કોઇપણ આરોપી તરફથી રાજકોટ બાર એસોસિએશનના સભ્યોએ વકીલાત કરવાની નથી.