રાજકોટ: રાજકોટ શહેરમાં TRP ગેમઝોનમાં લાગેલી આગમાં કુલ 27 લોકોના મોત થયા છે. હવે આ અગ્નિકાંડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ આગકાંડના આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ ગેમઝોન અગ્નિકાંડના આરોપીઓને 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં વધુ તપાસ માટે ત્રણ આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન, નિતીન જૈન, અશોકસિંહ જાડેજા, રાહુલ રાઠોડ, ધવલ ઠક્કર છે. જેઓ TRP ગેમઝોનનું સંચાલન કરતાં હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ અંદાજિત 7 થી 8 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોવાનું સામે આવ્યું છે.
કોર્ટે પોલીસને કહ્યું, ધ્યાન રાખજો આ ત્રણ ભરાઈ જાય અને મોટા માથાઓ છૂટી ન જાય. 14 દિવસ બાદ આવો ત્યારે કેસ ડાયરી સાથે લેતા આવજો. આરોપીઓએ કોર્ટમાં કહ્યું, અમે અગ્નિ શામક સાધનો દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરી છે. અમે કોઈ દરવાજો બંધ કરવાનો આદેશ નથી આપ્યો. અમે ખુદ લોકોને બચાવવા માટે પ્રયત્ન કર્યો છે. રાહુલ રાઠોડે કહ્યું, હું આજે જાતે સામે ચાલીને હાજર થયો છું.
યુવરાજ સિંહ સોલંકીએ કોર્ટમાં કહ્યું, હું અને નીતિન જૈન બંને અગ્નિ શામક સાધનો દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરી હતી. અમને પોલીસ દ્વારા જે પણ વિડિયો બતાવવામાં આવ્યા તે અંગે અમે પોલીસને માહિતી આપી છે.
રાજકોટ પોલીસ કમિશર રાજુ ભાર્ગવને હટાવાયા
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવી છે. અગ્નિકાંડ બાદ ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશકુમાર ઝાની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની બદલી કરાઈ હતી. અગ્નિકાંડ બાદ ગૃહ વિભાગે મોટો નિર્ણય લીધો હતો. રાજુ ભાર્ગવ, વિધી ચૌધરીની પણ બદલી કરાઇ હતી. રાજકોટ અગ્નિકાંડ બાદ ત્રણ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સુધિર દેસાઈને પણ હટાવાયા છે. ત્રણેય IPS અધિકારીઓને હાલ વેઈટિંગ ઈન પોસ્ટિંગ પર રાખવામાં આવ્યા છે એટલે કે કોઈ નવી જગ્યાએ નિમણૂક આપવામાં આવી નથી.
રાજકોટ મનપા કમિશનરને હટાવાયા
રાજકોટ મનપા કમિશનરને પણ હટાવી દેવામાં આવ્યા છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને હટાવ્યા બાદ મનપા કમિશનર આનંદ પટેલને પણ હટાવી દેવામાં આવ્યા છે. ઔડાના CEO ડીપી દેસાઈને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બનાવાયા છે. આનંદ પટેલને પણ કોઈ નવો ચાર્જ સોંપવામાં નથી આવ્યો.