રાજકોટ હોસ્પિટલ CCTV કાંડમાં વધુ ત્રણ આરોપી ઝડપાયા: હોસ્પિટલ, સ્કૂલ, બેડરૂમના 50 હજારથી વધુ સીસીટીવી હેક કર્યા હોવાનો ધડાકો
ત્રણ હેકરોની ટોળકી ઝડપાઈ, ૫૦ હજારથી વધુ CCTV હેક કર્યાનો ઘટસ્ફોટ, બાંગ્લાદેશ કનેક્શન સામે આવ્યું.

Rajkot hospital CCTV hacked: સુરત અને મહારાષ્ટ્રમાં હોસ્પિટલ CCTV હેકિંગ કાંડમાં સાયબર ક્રાઇમે મોટો ધડાકો કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે હેકરોએ માત્ર દેશમાં જ નહીં પરંતુ ભારત બહાર પણ હેક કરેલા CCTV ફૂટેજ વેચ્યા હતા. આ કેસમાં મહારાષ્ટ્રથી વૈભવ અને રાયન પરેરાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સુરતનો પરથી ધામેલિયા પણ પોલીસના સકંજામાં આવી ગયો છે. જો કે, રોહિત સિસોદિયા નામનો મુખ્ય આરોપી હજુ ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પરથી ધામેલિયા, રાયન પરેરા અને રોહિત સિસોદિયાની ત્રિપુટી CCTV કેમેરા હેક કરવામાં માસ્ટર હતી. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે કે આ ત્રણેયે છેલ્લા ૯ મહિનામાં ૫૦ થી ૬૦ હજાર જેટલા CCTV કેમેરા હેક કર્યા હતા. તેઓ હોસ્પિટલો ઉપરાંત કોલેજો, સ્કૂલો, બેડરૂમ, કોર્પોરેટ ઓફિસ અને ફેક્ટરીઓના CCTV પણ હેક કરતા હતા.
આરોપીઓએ ટેલિગ્રામ પર વીડિયો જોઈને હેકિંગની ટેક્નિક શીખી હતી. હેક કરેલા CCTV ફૂટેજને તેઓ બાંગ્લાદેશની ઇન્સ્ટાગ્રામ આઈડી પર પણ અપલોડ કરતા હતા. ચોંકાવનારી વાત એ છે કે બાંગ્લાદેશની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પાયલ હોસ્પિટલના CCTV ફૂટેજ પણ અપલોડ કરવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે હોસ્પિટલ અને બેડરૂમના CCTV ફૂટેજની માર્કેટમાં ખૂબ ડિમાન્ડ હતી, જેના કારણે હેકરો આ પ્રકારના ફૂટેજને વધુ ટાર્ગેટ કરતા હતા.
આ હેકર ટોળકીએ અત્યાર સુધીમાં CCTV ફૂટેજ વેચીને ૫ થી ૬ લાખ રૂપિયાની કમાણી કરી હોવાનો ખુલાસો થયો છે. જ્યારે અગાઉ પકડાયેલા ૩ આરોપીઓએ ૮ થી ૯ લાખ રૂપિયા કમાયા હતા. પોલીસ હાલમાં એ તપાસ કરી રહી છે કે આ ટોળકીએ હેક કરેલા CCTV ફૂટેજ કોને વેચ્યા હતા અને કેટલા લોકોને વેચ્યા હતા. વધુમાં, ટેલિગ્રામ પાસેથી પણ આ સંદર્ભે માહિતી મેળવવામાં આવશે.
પોલીસનું માનવું છે કે આરોપીઓ ટૂલ્સના માધ્યમથી મોટા પ્રમાણમાં CCTV કેમેરા હેક કરવાનો પ્રયાસ કરતા હતા અને આ કેસમાં વધુ લોકો સંડોવાયેલા હોવાની શક્યતા છે. હાલમાં પોલીસ રોહિત સિસોદિયાને પકડવા અને આ સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
આ પણ વાંચો....





















