રાજકોટ નજીક આવેલા ઈશ્વરીયા ગામ ખાતે કડવા પાટીદાર સમાજનું એક મહત્વપૂર્ણ સામાજિક સંમેલન યોજાયું હતું. પરંપરા અને પરિવર્તન તેમજ સામાજિક સુધારાના ઉદ્દેશ્યથી યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ અને કડવા પાટીદાર અગ્રણી પરશોત્તમ રૂપાલાએ ખાસ હાજરી આપી હતી. આ પ્રસંગે પાટીદાર અગ્રણીઓ દ્વારા સાંસદ રૂપાલા અને સીદસર ઉમિયાધામના પ્રમુખ તથા ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીને પાઘડી પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે સાંસદ રૂપાલાએ પોતાની આગવી અને હળવી શૈલીમાં સમાજની વર્તમાન વાસ્તવિકતા, લગ્ન વ્યવસ્થા, ખોટા ખર્ચાઓ, આધુનિક પહેરવેશ અને યુવા પેઢીની માનસિકતા પર બેબાક ટિપ્પણીઓ કરીને સમગ્ર ચિતાર રજૂ કર્યો હતો.

પ્રિ-વેડિંગ અને કુરિવાજો પર કટાક્ષ

રૂપાલાએ સ્પષ્ટ કહ્યું કે સમાજમાં મુખ્ય 3 વિષયો પર ચર્ચા થવી જરૂરી છે: લગ્ન વ્યવસ્થા, સામાજિક પ્રસંગો અને સમાધાન પંચ. તેમણે જૂના સમયને યાદ કરતા કહ્યું કે અગાઉ ઊંઝા મંદિરેથી આવતી એક જ તિથિએ સમૂહમાં અને ધોડિયામાં પણ લગ્ન થતા હતા. પણ હવે પરિવર્તન આવ્યું છે. ખરેખર પ્રિ-વેડિંગની કોઈ જ જરૂરિયાત નહોતી, પણ આપણે બીજાનું જોઈને શરૂ કરી દીધું છે. એટલું જ નહીં, મરણ પ્રસંગે પણ ઘણા અયોગ્ય રિવાજો ચાલે છે, જેમ કે મૃતકની આસપાસ શ્રીફળ લઈને પ્રદક્ષિણા કરવી. રૂપાલાએ જણાવ્યું કે તેમણે જાતે આ પ્રથા બંધ કરાવી હતી. આજના સમયમાં આખા લગ્નનો જેટલો ખર્ચ થતો હતો, તેટલો ખર્ચ આજે માત્ર ફોટાના આલ્બમ પાછળ થાય છે, જે વર્ષમાં માંડ 1 વાર ખૂલે છે. જે અયોગ્ય છે તે બદલવું જરૂરી છે.

Continues below advertisement
Continues below advertisement

વડીલોનું 1965 નું બંધારણ અને સાસુની '3-સ્ટાર' સ્થિતિ

ધ્રોલના વડીલોએ 1965 માં સમાજ માટે જે બંધારણ બનાવ્યું હતું તેને યાદ કરતા રૂપાલાએ કહ્યું કે, પહેલાંના સમયમાં લગ્નમાં બનેવી અને ફુવા માટે કેવા પ્રેમભર્યા ગીતો ગવાતા! આજે એ બધું વિસરાઈ ગયું છે. આજની બહેનોને માઠા પ્રસંગે શું કરવું તેની પણ ખબર નથી હોતી. તેમણે હળવા અંદાજમાં કહ્યું કે, એક સમય હતો જ્યારે સાસુનો હોદ્દો '3-સ્ટાર' જેવો હતો. પણ આજની સાસુની હાલત એવી છે કે તેમણે પોતાના સમયમાં પોતાની સાસુનું સાંભળ્યું હતું અને હવે અત્યારના યુગમાં પોતાની વહુનું પણ સાંભળવું પડે છે!

સંયુક્ત કુટુંબથી દૂર ભાગતી આજની પેઢી

રૂપાલાએ યુવાનો અને ખાસ કરીને દીકરીઓની માનસિકતા અંગે ગંભીર ચિંતન કરવા જણાવ્યું. પહેલા જમીન, બળદ અને ખાનદાન જોઈને દીકરીઓ અપાતી. પણ આજે પરિસ્થિતિ એવી છે કે દીકરીઓને ગામડામાં પરણવું જ નથી. લોકો પૂછે છે કે ઘરમાં કે કુટુંબમાં કેટલા 'ડસ્ટબિન' (વડીલો) છે? સંયુક્ત કુટુંબમાં કે ગામડામાં દીકરી દેવી નથી, અને આ બધું ખૂબ ચિંતાજનક છે. આપણે મૂળ ગામડાના છીએ અને આપણને ગામડાથી જ વાંધો છે! જો આવું જ ચાલશે તો ભવિષ્યમાં પ્રાણીઓ જેવી સ્થિતિ સર્જાશે. સંયુક્ત કુટુંબમાં દીકરીઓનો ઉછેર ખૂબ સારી રીતે થતો હતો, જેની આજે તાતી જરૂરિયાત છે.

ઉત્તર ગુજરાતનો દાખલો, ખોટા ખર્ચા અને પશ્ચિમી કલ્ચર

ઉત્તર ગુજરાતના સમૂહ લગ્નના વખાણ કરતા તેમણે કહ્યું કે ત્યાં વસંત પંચમી જેવી એક જ તિથિએ લગ્ન થાય છે. ત્યાં VIP માટે પણ પ્રોટોકોલ નક્કી છે, લગ્નના મંડપમાં કોઈ ભાષણ નહીં અને રસોડે માત્ર 100 લોકોને જ મફત જમવાનું, બાકીના મહેમાનોએ કૂપન ખરીદવાની. આપણે પણ ગામડે-ગામડે આવું નક્કી કરીને એક જ તારીખે લગ્ન રાખવા જોઈએ જેથી ઘણી મુશ્કેલીઓ દૂર થાય.

રૂપાલાએ સમાજને આહ્વાન કર્યું કે તુર્કી જઈને ડેસ્ટિનેશન વેડિંગ કરવા કે શોપિંગ પાછળ આંધળો ખર્ચ કરવાથી બચો. આજે વધારે પડતા શોપિંગના કારણે પણ છૂટાછેડા થાય છે. એક સમય હતો જ્યારે ઘરના એક વડીલ વસ્તુઓ લઈ આવતા. તેમણે બહેન-દીકરીઓને હાથ જોડીને વિનંતી કરી કે, પશ્ચિમી કલ્ચરનું અનુકરણ કરીને એવા કપડાં ન પહેરો કે કોઈ તમને 'ગીધ' ની નજરે જુએ. આજના યુગમાં લાજ કાઢવાની જરૂર નથી, પણ સંસ્કૃતિ છાજે તેવા કપડાં પહેરીને બે કુળની લાજ રાખવાની જરૂર છે.

માતાઓને ચેતવણી: મોબાઈલ અને સંસ્કાર

તેમણે માતાઓને પણ ચેતવણી આપી કે દીકરીઓના મોબાઈલના ઉપયોગ પર ધ્યાન રાખો અને જાગૃત બનો. નહીંતર કાલે સવારે દીકરી કોઈ 'લંગૂર' પાછળ ભાગી જશે અને પછી ફોન સ્વિચ ઓફ આવશે ત્યારે ખબર પડશે. સમય ખૂબ બારીક છે, માટે સમાજને અને દેશને બચાવવો જરૂરી છે.