Rajkot: શહેરમાં પોલીસની ટીમે એક મોટા ગુનાનો પર્દાફાશ કર્યો છે. શહેરમાં વિદેશી દારુના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી છે. આજે રાજકોટ ગ્રામ્ય LCBની ટીમે અચાનક દરોડા પાડીને લગભગ 7 લાખની કિંમતના વિદેશી દારુના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. 




રાજકોટમાં આજે રાજકોટ ગ્રામ્ય LCBની ટીમે બૂટલેરો સામે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન શહેરના વીંછીયા પાળીયાદ રોડ પરથી પસાર થઇ રહેલી એક પીકઅપ વાનને રોકી હતી, આ પીકઅપ વાનમાં બે શખ્સો દ્વારા વિદેશી દારુની હેરાફેરી કરવામાં આવતી હતી. વીંછીયા વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા પણ વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો. વીંછીયા પાળીયાદ રોડ પરથી બૉલેરો પીકઅપ વાનમાંથી વિદેશી દારુની 743 બૉટલો મળી આવી હતી. કાર્યવાહીમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 743 બૉટલ અને પીકઅપ વાન કુલ 7.82.130 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, આ સાથે જ રાજકોટ ગ્રામ્ય LCB બે શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.


રિક્ષામાં મેફેડ્રૉન હેરાફેરી કરતા શખ્સને SOGએ દબોચ્યો


ડ્રગ્સના લે-વેચની ઘટનાઓ સતત વધી રહી છે, યુવાનો ઉંધા રવાડે ચડાવનારા ડ્રગ્સ પેડલરો પર રાજ્યમાં SOGએ શિકંજો કસવાનું શરૂ કરી દીધુ હોય એમ એક પછી એક ડ્રગ્સ પેડલરો પોલીસના હાથે ચઢી રહ્યાં છે. આજે રાજકોટમાંથી વધુ એક ડ્રગ પેડલરને એક લાખથી વધુના મુદ્દામાલ સાથે SOGની ટીમે ઝડપી પાડ્યો છે. મોરબી SOGની ટીમે આજે સવારે મોટી કાર્યવાહી હાથ ધરતાં રિક્ષામાં ડ્રગ્સની હેરાફેરી કરતાં ડ્રગ પેડલરને દબોચી લીધો હતો. આજે રાજકોટથી રિક્ષામાં બેસીને મોરબી આવતા મુસાફર પાસેથી SOGએ ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં મોરબીની ત્રાજપર ચોકડી પાસે લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટમાં રહેતા જીતેન્દ્ર રામજી પ્રજાપતિ પાસેથી ડ્રગ્સ મળી આવ્યુ છે. આરોપી જીતેન્દ્ર પાસેથી ૧૦.૨૦ ગ્રામ મેફેડ્રૉન ડ્રગ્સ મળી આવ્યો હતો, જેની કિંમત ૧,૦૨,૦૦૦ રૂપિયા છે. SOGએ બાતમીના આધારે ડ્રગ પેડલર જીતેન્દ્રને દબોચી લીધો હતો, આરોપી પાસેથી ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ અને રોકડ રકમ સહિત ૧,૧૩,૮૧૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપી જીતેન્દ્રની પુછપરછ દરમિયાન રાજકોટના રવિ ઉર્ફે આશિષભાઈ જીતેન્દ્રભાઈ રાવલના નામનો ખુલાસો થયો હતો.


કારમાં મેફેડ્રૉન ડ્રગ્સ વેચવા નીકળેલા 2 શખ્સને SOGએ ઝડપ્યા


રાજ્યમાં ડ્રગ્સના વેચાણનો સિલસિલો યથાવત છે, હવે જૂનાગઢમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જૂનાગઢ SOG પોલીસની કાર્યવાહીમાં 2.7 ગ્રામ જેટલા મેફેડ્રૉન ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. માહિતી પ્રમાણે, જુનાગઢના માંગરોળમાથી મેફેડ્રોન ડ્રગ્સ પકડવામાં આવ્યો છે. પોલીસે કાર્યવાહી કરતા બે આરોપીઓ સાથે 2. 7 ગ્રામ મેફેડ્રૉન ડ્રગ્સના જથ્થા ઝડપી પાડ્યા હતા. આ બન્ને આરોપીઓ કારમાં મેફેડ્રૉન ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. બાતમીના આધારે જ્યારે SOGએ દરોડા પાડ્યા તો કારમાંથી બે આરોપીઓને મેફેડ્રૉન ડ્રગ્સ સાથે ત્રણ મોબાઇલ, રોકડ તેમજ કાર સાથે 5.52.990નો મુદ્દામાલ કબજો કર્યો હતો. પોલીસે સોહિલ કાલાવત અને હનીફ ધામેરીયાની આ મામલે ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ બન્ને આરોપીઓને હાલમાં માંગરોળ મરીન પોલીસને સોંપવામાં આવ્યા છે. આ પહેલા રાજ્યામાં સુરત, રાજકોટ અને અમદાવાદ સહિતના શહેરોમાંથી ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી કરનારા પેડલરો ઝડપાઇ ચૂક્યા છે.