Heat Wave News: રાજ્યમાં ગરમીનો પારો સતત ઉંચકાઇ રહ્યો છે, એપ્રિલ મહિનાનો છેલ્લો સપ્તાહ પસાર થઈ રહ્યો છે અને ઉનાળો તેનું વિકરાળ સ્વરૂપ બતાવી રહ્યો છે, ગુજરાતમાં આગ ઝરતી ગરમી પડી રહી છે, તાજા અપડેટ પ્રમાણે વાત કરીએ તો રાજકોટમાં ગરમીએ રેકોર્ડ તોડી નાંખ્યા છે. 43.9 ડિગ્રી સાથે રાજ્યમાં રાજકોટ સૌથી હૉટેસ્ટ સિટી બન્યુ છે. અમદાવાદ, સુરેન્દ્રનગર અને અમરેલી સહિતના શહેરોમાં પણ ગરમીનો પારો સતત ઉંચો જઇ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી 2 થી 3 ડિગ્રી વધી શકે છે. આશ્ચર્યની વાત એ છે કે, માત્ર એશિયાઈ દેશો જ નહીં પરંતુ પશ્ચિમી દેશો અને દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત એન્ટાર્કટિકા પણ આ ભીષણ ગરમીથી પ્રભાવિત થઈ રહ્યા છે. 
 
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ રહેવાનો છે. આજે દક્ષિણ પશ્ચિમ- પશ્ચિમના પવન ફૂંકાશે અને સાથે જ ગરમીનો પારો ઉંચકાઇને 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે. આગ ઝરતી ગરમી માટે ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે, આકાશમાંથી અગનવર્ષા થઇ રહી છે અને આ સાથે જ 43.9 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર બન્યુ છે. આ ઉપરાંત અમરેલી, સુરેંદ્રનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે. મેગા સિટી અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચતા જ લોકો ત્રાહિમામ પોકરી ઉઠ્યા છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આજે અને આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઇ શકે છે. 

આગામી 3 દિવસ તાપમાન યથાવત રહે તેવી શક્યતા છે. તેમજ આગામી 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધે તેવી શક્યતા છે. આગામી 7 દિવસમાં મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી રહે તેવી શક્યતા છે. તો કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. ગુજરાતના અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 44 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, જુનાગઢ, કચ્છ, ખેડા, મહીસાગર, મોરબી, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત ભાવનગર, ડાંગ સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

Continues below advertisement

અગન વર્ષાની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છુટછવાયો વરસાદ થતાં બફારો અને ઉકળાટની સ્થિતિ વધી છે.  નવસારી અને વલસાડ જિલ્લામાં છુટછવાયો કમોસમી વરસાદ વરસ્યો છે. ખેરગામ તાલુકાના રૂમલા ગામે પણ માવઠું થયું છે.  વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં  છાંટા થતા ખાસ કરીને કેરીના ખેડૂતો  ચિંતામાં મૂકાયા છે. તૈયાર રહેલા કેસર કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

 

Continues below advertisement