Rajkot : રોડ રસ્તાના કામને લઇને RMC લાલઘૂમ, બે અધિકારીને ફટકારી નોટિસ
રાજકોટના મ્યુનિસિપલ કમિશનરે રોડ રસ્તાની નબળી કામગીરી માટે અધિકારીઓ, અને કોન્ટ્રાક્ટર સામે કડડ કાર્યવાહી કરી છે અને જનતાની સુવિધા માટે વપરાતા પૈસાનો સંપૂર્ણ સદઉપયોગ ગુણવત્તાયુક્ત કામગીરી સાથે કરવાની સૂચના આપી છે.

રાજકોટ મહાનગર પાલિકાના કમિશનશરે રોડ રસ્તાની કામગીરીમાં ગુણવત્તાયુક્ત કામ માટે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, ગુણવત્તા બાબતે બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં, ઉલ્લેખનિય છે કે, હાલ મનપા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રાજમાર્ગો અને આંતરિક રસ્તાઓના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. રાજકોટ મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ આ મામલે સખત વલણ અપનાવ્યું છે. તુષાર સુમેરાએ વોર્ડ નં. 11માં આવેલા ભીમનગર ચોક વિસ્તારની અચાનક મુલાકાત લીધી હતી. આ દરમિયાન કામમાં ગંભીર ની ગેરરીતિઓ અને બેદરકારી સામે આવી હતી. જેના પગલે કમિશનરે 2 અધિકારીઓને શૉ કોઝ નોટિસ ફટકારી છે. તત્કાલ જવાબદાર કોન્ટ્રાક્ટર એજન્સી પ્રદીપ કન્સ્ટ્રક્શનને ડિબાર કરવા તેમજ આ કામના સુપરવિઝનમાં બેદરકારી રાખનાર એન્જિનિયર અને ફિલ્ડ એન્જિનિયરને પણ શો-કોઝ નોટિસ ફટકારી છે. તેમજ કામને લઇને થઇ રહેલી ગેરરીતિ અને બેદરકારી સામે કડક શબ્દોમાં સૂચના આપતા ગુણવત્તા સામે કોઇ પણ પ્રકારની ઢીલાશ ન ચલાવી લેવાની ચેતવણી આપી છે.
મ્યુ. કમિશનરે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, ભીમનગર ચોકમાં ઓચિંતી મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે, "રોડ બનાવવાની પ્રક્રિયામાં નિર્ધારિત કરેલા માપદંડોનું પાલન નથી થતું. ડામરનું સ્તર નક્કી કરેલા સ્પેસિફિકેશન મુજબ નહોતું, જે ભવિષ્યમાં રોડની લાઇફ પર વિપરિત અસર કરી શકે તેમ હતું. આ પ્રકારની બેદરકારીને કારણે પ્રદીપ કન્સ્ટ્રક્શનને મહાનગરપાલિકાના બ્લેક લિસ્ટમાં મૂકવા માટે કેમ કાર્યવાહી ન કરવી તેવો ખુલાસો માંગતી નોટિસ આપવામાં આવી છે"
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આ નબળા કામ માટે માત્ર કોન્ટ્રાક્ટર જ નહિ સુપરવિઝનમાં નિષ્ફળ રહેલા મ્યુનિસિપલ અધિકારીઓ પર પણ જવાબદાર છે જેથી તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જરૂરી પગલાં લેવાયા છે. જ્યારે સરકારી પૈસાનો ઉપયોગ જનતાની સુવિધા માટે થતો હોય ત્યારે આ કામમાં બેદરકારી કેવી રીતે ચલાવી લેવાય"
તુષાર સુમેરાએ તમામ ઝોન અને વોર્ડના એન્જિનિયરોને આદેશ કર્યો છે કે, " નાગરિકોની સુવિધા માટે વપરાતા પૈસાનો પુરતો સદઉપયોગ થવો જોઇએ. આ પૈસાના ઉપયોગમાં જરાય વેડફાટ સહન નહિ કરી લેવાય અને જો કાર્યવાહીમાં જો ભવિષ્યમાં પણ નબળી કામગીરીની પોકળતા સાબિત થઇ તો કોન્ટ્રાક્ટર, સુપરવાઈઝિંગ સ્ટાફ સામે તત્કાલ કાર્યવાહી કરવામાં આવશે. મ્યુ. કમિશનર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી ખરેખર આવકાર્ય અને અન્ય અધિકારીઓને પણ મેસજ આપતી છે. આ કડક કાર્યવાહીથી કોન્ટ્રાક્ટરો તેમજ બેજવાબદાર અધિકારીઓમાં પણ સતકર્તા થયા છે.






















