Rajkot News: રાજકોટના મેયર પતિના ગેરકાયદે નિર્માણ સામે મનપાની નોટિસ, બાંધકામ કાયદેસર હોય તો પુરાવા આપવા સૂચના
Rajkot News: આખરે સૂચિત પ્લોટમાં કરેલા ગેરકાયદે બાંધકામને 260(1) મુજબની નોટિસ ફટકારી છે. આ નોટિસમાં તેની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે કે બાંધકામ કાયદેસર હોવાના પુરાવા આપો

Rajkot News: રાજકોટ મહાપાલિકાના મેયર નયનાબેન પેઢડિયાના પતિ વિનોદભાઈ પેઢડિયાએ સંત કબીર રોડ પર સૂચિત પ્લોટમાં ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ કર્યાનો એબીપી અસ્મિતાએ પર્દાફાશ કર્યો હતો. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ મનપાના ટીપી શાખાના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. આખરે સૂચિત પ્લોટમાં કરેલા ગેરકાયદે બાંધકામને 260(1) મુજબની નોટિસ ફટકારી છે. આ નોટિસમાં તેની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે કે બાંધકામ કાયદેસર હોવાના પુરાવા આપો અથવા તો પોતાની રીતે જ બાંધકામ દૂર કરવું. જો ખુલાસો નહીં કરે અથવા તો ખુલાસો યોગ્ય નહીં હોય તો મનપા 260 (2) એટલે કે ડિમોલીશનની આખરી નોટિસ આપશે અને દબાણ દૂર કરવાનું રહેશે. આટલું જ નહીં ટીપી શાખાએ હવે સૂચિત પ્લોટમાં આગળનું બાંધકામ ન કરવા પણ ચેતવણી આપી છે. નોંધનીય છે કે વિવાદ બાદ નયનાબેન પેઢડિયાએ મીડિયા સમક્ષ દાવો કર્યો કે પારિવારિક ડખ્ખામાં આ મુદ્દો મીડિયામાં ચગાવાયો છે. આ પ્લોટ સૂચિતનો છે તે કબૂલ્યું. તો એ પણ સ્પષ્ટ કર્યું કે પ્લોટ બાપદાદાની માલિકીનો છે અને નિયમ મુજબ જ બાંધકામની પરવાનગી મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
નોંધનીય છે કે સંત કબીર રોડ પર એક કોર્નર પ્લોટ પર હાલ બે માળનું કોમર્શિયલ બાંધકામ ચાલી રહ્યું છે. આ બાંધકામ ખુદ મેયર નયનાબેન પેઢડીયાના પતિ દ્વારા કરાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ વિસ્તાર 'સૂચિત' શ્રેણીમાં આવે છે, જ્યાં નવા કોમર્શિયલ બાંધકામ પર કડક પ્રતિબંધ છે. નિયમોને નેવે મૂકીને અહીં એક ઇંચનું પણ માર્જિન છોડવામાં આવ્યું નથી. મેયરના પતિએ બાંધેલી ઈમારતનો મુદ્દો કોર્પોરેશનના બજેટ બોર્ડમાં પણ જોરશોરથી ગાજ્યો હતો. વશરામ સાગઠિયાએ તો સભામાં સવાલ ઉઠાવતા કહ્યું કે, મેયરના પતિએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે, તેને તંત્ર ક્યારે તોડી પાડશે ? બીજી તરફ સ્ટેન્ડિંગ ચેરમેને સૂચિત પ્લોટમાં કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ ચલાવી નહીં લેવાય તેવી વાત કરી હતી.
રાજકોટના જંગલેશ્વર નજીકના વિસ્તારોમાં 153 જેટલા મકાનો તોડી પડાશે
રાજકોટ જંગલેશ્વર નજીક ડિમોલિશનની કાર્યવાહી સ્થાનિક પ્રશાસન હાથ ધરશે. રાજકોટ મહાનગરપાલિકા 23 ફેબ્રુઆરીએ રાજકોટના ઈતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરશે. રાજકોટ મનપાના અધિકારીઓ જંગલેશ્વર પહોંચ્યા હતા. સ્થાનિક લોકોને સમજાવવા મનપાની ટીમ પહોંચી હતી. સોમવારે મેગા ડિમોલિશન હાથ ધરાવાનું છે. સોમવાર જંગલેશ્વર નજીકના વિસ્તારોમાં ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરાવાનું છે. સોમવારે 153 જેટલા ગેરકાયદે બાંધકામ તોડી પડાશે. 23 JCB, 23 ટ્રેક્ટર, હેવી મશીનો, 150 મજૂરો કામે લાગશે. સોમવાર સુધીમાં જગ્યા ખાલી કરવા અંતિમ નોટિસ અપાઈ છે. ડિમોલિશન દરમિયાન સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. ત્રણેય સિટી ઈજનેરને ડિમોલિશન માટે અલગ અલગ ભાગ અપાયા છે. 2 હજારથી વધુ જવાનો, સ્પેશિયલ એક્શન ફોર્સ તૈનાત કરાશે.























