રાજકોટઃ શહેરના થોરાળા પોલીસ મથક વિસ્તારમાં થયેલ ચકચારી હત્યાના બનાવનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યા કરનાર બે શખ્સો ધરપકડ કરી છે. જેમાં યુવાનની હત્યા અંગત અદાવતને કારણે આરોપીઓએ કરી હોવાનું સામે આવ્યું છે. ભુવાની મદદ લઈ પિતાએ દીકરીને ભગાડી જનાર યુવાનની હત્યા કરી હતી.


રાજકોટમાં ગુરૂવારના રોજ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કનક નગરમાં રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં સરાજાહેર હત્યાનો બનાવ સામે આવ્યો હતો. 32 વર્ષીય વિજય મેર નામના યુવાનની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હતી. સરાજાહેર થયેલ આ હત્યાની ઘટનાના સીસીટીવી ફૂટેજ કોઈ પણ વ્યક્તિને  વિચલિત કરી નાખે તેવા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ મથકનો સ્ટાફ , ક્રાઇમબ્રાંચ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.


મૃતકના પરિવારજનોની પૂછપરછ કરતાં તેમણે વિજયની હત્યા તેના જ વિસ્તારમાં રહેતા એક શખ્સ તેમજ તેની સાથે રહેલા અન્ય એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેથી આરોપીઓની ઓળખ કરવી પોલીસને સરળ બની હતી. ગણતરીની જ કલાકોમાં હત્યા કોણે કરી છે તે બાબતનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું.. જેથી શહેર ક્રાઇમબ્રાન્ચે વહેલી સવારે યુવાનની હત્યા કરનાર સુરેશ સાકરીયા અને દિનેશ ઉર્ફે ભુવાજીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં અંગત અદાવતને કારણે આરોપીઓએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.


પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક વિજય મેર અને તેની હત્યા કરનાર સુરેશ એક જ વિસ્તારમાં રહે છે. વર્ષ 2020ના ઓક્ટોબર મહિનામાં આરોપી સુરેશની સગીર વયની દીકરીને વિજય ભગાડી ગયો હતો. જે બાબતે  તેને પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. સમગ્ર મામલે હેબિયર્સ કોપર્સ પણ દાખલ થતાં શહેર પોલીસ દ્વારા અપહરણ કરનાર વિજય તેમજ સુરેશની દીકરીને જૂનાગઢ જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે વિજય વિરુદ્ધ અપહરણ ,પોક્સો તેમજ દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. 


મૃતક વિજય ત્યાર બાદ જામીન પર છૂટ્યો હતો. બંને એક જ વિસ્તારમાં રહેતા હોવાના કારણે વિજય અવારનવાર સુરેશને જ્યારે રસ્તામાં મળતો ત્યારે કહેતો હતો કે " તું મૂંછ નથી રાખતો.... તું મારું કશું બગાડી નહીં શકે... હું હજુ પણ તારી દીકરીને ભગાડી જઇશ ".  અવારનવાર વિજયની ધમકીઓથી  કંટાળી સુરેશે અન્ય આરોપી દિનેશ ઉર્ફે ભુવાજી પાસે દાણા જોવડાવી તેને મારી નાખવા પ્લાન ઘડ્યો હતો. સવારના સમયે રેકી કરી ભુવાના કહેવા મુજબ 8 વાગ્યા બાદ જ મૃત્યુ થશે તેવું જણાવતા રાત્રીના 8.52 વાગ્યે હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો. જેમાં પ્રથમ આવી ભુવાએ ધારિયા વડે પ્રહાર કરી બાદમાં દીકરીના પિતા સુરેશે છરીના ઘા ઝીંકી 35 સેકન્ડમાં યુવાનનું કાસળ કાઢી નાખ્યું હતું.


કહેવાય છે કે અતિની ગતિ નથી હોતી.  આ કિસ્સામાં પણ ક્યાંકને ક્યાંક આજ કહેવત સાચી સાબિત થઈ છે. વિજયે સુરેશની સગીર વયની દીકરી ભગાડી અને ગુનાને અંજામ આપ્યો હતો, જેથી તેને જેલમાં પણ ધકેલી દેવામાં આવ્યો હતો. જો કે તેને જામીન પર આવી અવાર નવાર સગીરવયની દીકરીના પિતા સુરેશ સાથે લૂખખાગીરી કરી અને ધમકીઓ આપી. જેથી સુરેશે અંતે કંટાળી જઈ તેની હત્યા કરી નાખી. જો કે કાનૂન તો કાનૂન છે. શહેર પોલીસે હત્યા કરનાર બંને આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.