Rajkot News: રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં બે વ્યક્તિનું શંકાસ્પદ મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં દેશી દારુ પીધા બાદ બે વ્યક્તિના મોત થયાની આશંકા છે. મનસુખ ડાભી અને અલ્પેશ સાબરિયાનું રવિવારે મોત થયું હતું. બંને મિત્રોને દારુ પીવાની ટેવ હોવાનો પણ ખુલાસો થયો હતો. ક્રાઈમબ્રાંચની ટીમે બુટલેગરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. 

મૃતકના પરિવારે ગંભીર આરોપ લગાવ્યા હતા. જીણા ભગત નામના બુટલેગર પર મૃતકના પુત્રએ આરોપ લગાવ્યા હતા. પરિવારે આરોપ લગાવ્યો કે દારૂમાં કેમિકલ અથવા કંઈક ભેળવ્યું હોવાની આશંકા છે. પિતાએ પોલીસને જીણા ભગતનું એડ્રેસ બતાવતા કાવતરું રચાયું હોવાનો આરોપ લાગ્યો છે. જીણા ભગત વર્ષોથી બુટલેગર છે અને આ વિસ્તારમાં દારુ વેચે છે. 

Continues below advertisement
Continues below advertisement

બંનેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે

પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને આશંકા છે કે આ સામાન્ય મોત નથી, પરંતુ દેશી દારૂ બનાવતી વખતે તેમાં નશાનું પ્રમાણ વધારવા માટે કોઈ ઘાતક કેમિકલ અથવા ઝેરી પદાર્થની ભેળસેળ કરવામાં આવી હોઈ શકે છે.  બંન્ને મૃતકોનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. મનસુખભાઇ ડાભી (ઉ.વ.50) અને તેના મિત્ર અલ્પેશભાઇ સાબરિયા (ઉ.વ.43) રવિવારે રાત્રે નવેક વાગ્યે બેભાન હાલતમાં મળી આવતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ સારવાર દરમિયાન બંન્નેના મોત થયા હતા. ઘટનાને પગલે ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ સહિતનો કાફલો દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. 

મૃતક મનસુખભાઇ ડાભીના પુત્ર વિનય ડાભીએ આરોપ લગાવ્યો હતો કે તેના પિતા મનસુખભાઇ અને મિત્ર અલ્પેશભાઇ સાબરિયાને દારુ પીવાની ટેવ હતી. કેટલાક સમયથી જીણા ભગત સાથે માથાકૂટ ચાલતી હોવાથી તેણે દેશી દારૂમાં કોઈ ઝેરી પદાર્થ પીવડાવી બંનેને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ મામલે ક્રાઈમ બ્રાંચની ટીમે બુટલેગરની ધરપકડ કરી હતી. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે. આ ઘટનાને પગલે સ્થાનિક કક્ષાએ દેશી દારૂના દૂષણ સામે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે.