Rajkot News: રાજકોટ શહેરમાં હાર્ટએટેકથી મૃત્યુના (heart attack cases increase in Rajkot) કિસ્સા સતત વધી રહ્યા છે. શહેરમાં એક યુવક સહિત વધુ ચાર વ્યક્તિના હાર્ટફેઇલ થઇ ગયા હતા. યુવકે તો ગભરામણ થતાં તેના ડોક્ટર મિત્રને ફોનથી જાણ કરી હતી પરંતુ યુવક હોસ્પિટલે પહોંચે તે પહેલાં જિંદગીનો અંત આવી ગયો હતો. માધાપર ચોકડી નજીક સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple) પાસેના જીહિત પાર્કમાં રહેતો સંદીપ પ્રવીણભાઇ સેદાણી (ઉ.વ.39) શનિવારે બપોરે બારેક વાગ્યે પોતાના ઘરે હતો ત્યારે તેને ગભરામણ શરૂ થતાં તેણે તેના તબીબ મિત્ર મહેશ જોટંગિયાના ફોન કરી ગભરામણ થતી હોવાની વાત કરી હતી. ડો.જોટંગિયાએ નજીકની હોસ્પિટલે પહોંચવાનું કહ્યું હતું. થોડીવાર બાદ સંદીપે ફરીથી ડોક્ટર મિત્રને ફોન કરી પોતાની તબિયત સારી હોવાનું કહ્યું હતું, પરંતુ થોડી જ ક્ષણ બાદ તે બેભાન થઇ ઢળી પડતાં તેના પત્ની સહિતના પરિવારજનોએ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ સંદીપનું મૃત્યુ થયું હતું. સંદીપના પિતા પ્રવીણભાઇ સેદાણી પ્રેસ ફોટોગ્રાફર છે. સંદીપ બજાજ કેપિટલમાં બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરતો હતો અને તેના મૃત્યુથી તેના બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા સેદાણી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. અન્ય કિસ્સામાં મવડીના ઓમનગર સર્કલ પાસે પ્રિયદર્શન સોસાયટીમાં રહેતા ધનસુખભાઇ કવાભાઇ વાગડિયા (ઉ.વ.50) શુક્રવારે સાંજે પોતાન ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. ધનસુખભાઇ રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. આ ઉપરાંત મોરબી રોડ પરના તિરુપતિનગરમાં રહેતા જયંતીભાઇ જાદવજીભાઇ રાઘવાણી (ઉ.વ.50)ને સવારે તેની પુત્રી જગાડવા જતાં પિતા જયંતીભાઇ જાગ્યા નહોતા અ્ને બેભાન હાલતમાં જ તેમનું મૃત્યુ થયું હતું. હાર્ટએટેકથી તેમનું મૃત્યુ થયાનું ખુલ્યું હતું. આ ઉપરાંત મેટોડા જીઆઇડીસી પાસે વાજડીમાં શિવાલય એપાર્ટમેન્ટમાં રહેતા નિરજભાઇ બળવંતભાઇ જોષી (ઉ.વ.71) શુક્રવારે સાંજે મેટોડા ગેટ નં.3 પાસે ઊભા હતા ત્યારે અચાનક બેભાન થઇને ઢળી પડ્યા હતા અને તેમનું મૃત્યું થયું હતું. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
Rajkot News: યુવક સહિત ચારના હાર્ટએટેકથી મોત, અન્ય ત્રણ પ્રૌઢ બેભાન થઇ ઢળી પડ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 May 2024 08:18 AM (IST)
રાજકોટ શહેરમાં એક યુવક સહિત વધુ ચાર વ્યક્તિના હાર્ટફેઇલ થઇ ગયા હતા. યુવકે તો ગભરામણ થતાં તેના ડોક્ટર મિત્રને ફોનથી જાણ કરી હતી પરંતુ યુવક હોસ્પિટલે પહોંચે તે પહેલાં જિંદગીનો અંત આવી ગયો હતો.
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે