Lion Safari Park in Rajkot: ગુજરાતવાસીઓ જ નહીં હવે દેશવાસીઓ માટે એક મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. હવે સિંહ દર્શન માટે ગીર કે અન્ય અભ્યારણ્યોમાં જવુ નહીં પડે, હવે રાજકોટમાં પણ એક મોટી લાયન સફારી પાર્ક આકાર લેશે. હાલમાં જ સમાચાર મળ્યા છે કે, રાજકોટ મહાનગર પાલિકા આગામી દિવસોમાં 30 કરોડના ખર્ચે 33 હેક્ટર જેટલી ખુલ્લી જગ્યામાં દેશની પ્રથમ લાયન સફારી પાર્ક બનાવવા જઇ રહ્યું છે. આ માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. જાણો ડિટેલ્સ.....
હાલમાં જ એક આનંદના સમાચાર મળ્યા છે જે મુજબ હવે દેશની પ્રથમ લાયન સફારી પાર્ક રાજકોટમાં આકાર લેશે. આ માટે જરૂરી મંજૂરી કેન્દ્ર સરકાર તરફથી મળી ચૂકી છે. માહિતી છે કે, દેશની પ્રથમ લાયન સફારી પાર્ક રાજકોટ મહાનગરપાલિકા રાજકોટમાં બનાવશે. આમાં રાજકોટ અને આસપાસના જિલ્લાના લોકોને સિંહ દર્શન માટે હવે ગીર સુધી લાંબુ થવુ નહીં પડે, તેમને સિંહ દર્શનનો લ્હાવો રાજકોટમાં જ મળી રહેશે. આ લાયન સફારી પાર્ક પ્રૉજેક્ટ 33 હેક્ટર જગ્યામાં 30 કરોડના ખર્ચે રાજકોટમાં બનશે. 2026માં જીપમાં બેસીને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો સિંહ દર્શન કરી શકશે. આ માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી અને કેન્દ્ર સરકારે આ માટે મંજૂરી પણ આપી દીધી છે, આજીડેમ અને પ્રદ્યુમન પાર્ક ઝૂના 13 સિંહમાંથી એક ગૃપ સફારી પાર્કમાં મૂકવામાં આવશે. આવતા વર્ષના બજેટમાં સફારી પાર્ક માટે અલગથી જોગવાઈ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા અઢી વર્ષમાં પ્રૉજેક્ટ પૂરો કરશે, ગીરના જંગલ જેવી આબોહવા માટે અલગ-અલગ વૃક્ષારોપણ કરવામાં આવશે.