Rajkot News: રાજ્યમાં હાલ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. દિવસે પણ લોકો ગરમ કપડામાં લપેટાયેલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન રાજકોટમાં જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર જાહેર કર્યો છે. શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખી રાજકોટની તમામ શાળાઓમાં ગરમ વસ્ત્રોને લઇ જિલ્લા શિક્ષણ અધિકારીએ બહાર પાડેલા પરિપત્ર મુજબ, વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ કલરના કે ડિઝાઇનના જેકેટ કે સ્વેટર પહેરવા ખાનગી સ્કૂલ મેનેજમેન્ટ દબાણ નહિ કરી શકે. ઠંડીથી રક્ષણ માટે વિદ્યાર્થીઓ પોતાના મનપસંદ ગરમ વસ્ત્રો પહેરી શકશે. ખાનગી શાળાઓ સ્કૂલના નિયત કરેલા સ્વેટર પહેરવા દબાણ નહિ કરી શકે.
ગત વર્ષે રાજકોટની શાળામાં કડકડતી ઠંડી દરમિયાન એક વિદ્યાર્થિનીનું મૃત્યુ થયા બાદ સરકારી તંત્ર જાગ્યું હતું અને જિલ્લાઓને પોતાની રીતે શાળાઓનો સમય બદલવા શિક્ષણ વિભાગે સૂચના આપી હતી. તે સાથે શાળાઓ તેમના નિશ્વિત ડ્રેસ કોડ-યુનિફોર્મનો આગ્રહ ન રાખે અને ઠંડી સામે રક્ષણ મળે તે માટે અન્ય સ્વેટર કે ગરમ વસ્ત્ર પહેરી શકે તેની વિદ્યાર્થીઓને છૂટ મળે તે માટે પણ તાકીદ કરી હતી.
તે સમયે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા દ્વારા રાજકોટની ઘટનામાં વિદ્યાર્થિનીના મૃત્યુને લઇને તેની માતાએ શાળાની બેદરકારી અંગે કરેલા આક્ષેપોનો જવાબ આપતા જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું તેનું પ્રાથમિક કારણ હૃદયરોગનો હુમલો હોવાનું બહાર આવ્યું છે. તેમ છતાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જે કારણો આવે ત્યાં સુધી કહી શકાય નહીં. રાજ્યની અનેક ખાનગી શાળાઓ તેમના જે સ્વેટર કે ડ્રેસ કોડનો આગ્રહ રાખતી હોવા અંગેના સવાલનો જવાબ આપતા કહ્યું કે ઠંડીના સમયમાં શાળાઓએ આગ્રહ રાખવો જોઇએ નહીં. બાળકોને ઠંડીથી રક્ષણ મળે તે જરૂરી છે, ગરમ વસ્ત્રો પહેરવાની છૂટ આપવી જોઇએ.
ગત વર્ષે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતા વહેલી સવારે સ્કૂલે જતાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોવાનું સામે આવતા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર કરી ઠંડીના લીધે વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે રીતે સવારની સ્કૂલના સમયમાં ફેરફાર કરવા આદેશ કર્યો હતો. જેને લઈ ઘણી સ્કૂલોના આચાર્યોએ પોતાની રીતે નિર્ણય લઈ સ્કૂલના સમયમાં ફેરફાર કર્યો હતો.
આ પણ વાંચોઃ
સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા યુવક-યુવતિ, લગ્નની ના પાડતાં......