રાજકોટઃ શહેરના રઘુવંશી પરિવારના ત્રણ સભ્યો ઋષિકેશમાં તણાઇ જતાં મોત થયું હોવાનું સામે આવતાં આખા સમાજમાં શોકની લાગણી ફરી વળી છે. મોત પહેલા જ ઋષિકેશમાં પુત્રી સોનલબેને નાની અને પિતા સાથે વીડિયો બનાવ્યો હતો. વીડીયો જોઈને કોઈની પણ આંખમાં આંસુ આવી જાય. થોડા કલાકો પહેલા જ નદી કિનારે માતા સાથે વિડીયો બનાવ્યો હતો. તો પિતા સાથે ખમ્મા ઘણી લાડકવાઈના સોંગ સાથે વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો.


રાજકોટ મોરબી હાઉસ ખાતે સરકારી પ્રેસ કોલોનીમાં રહેતા રઘુવંશી સમાજના ત્રણ સભ્યો ઋષિકેશમાં તણાયા છે. દિલીપભાઈ કારીયાના પરિવારના ત્રણ લોકોના મૃત્યુ થતા ઘેરા શોકની લાગણી ફરી વળી છે. ઋષિકેશમાં ગઈ કાલે મોડી સાંજે નીલકંઠ મહાદેવ પાસે નદીમાં ઓચિંતા સોનલ તણાઈ ગઈ. દોહિત્રીને તણાઇ જતા નાની પણ નદીમાં કૂદ્યા અને તેની પાછળ સોનલના પિતા પણ નદીમાં કુદ્યા હતા.  ત્રણેય પાણીના પ્રવાહમાં તણાઈ ગયા. આ દુર્ઘટનામાં રુલતાબેન કારીયાની લાશ મળી આવી છે. જ્યારે બેની શોધખોળ ચાલું છે.


મૃતકના નામ


1. તરુલતાબેન કારીયા (સોનલના નાની)
2. સોનલબેન કારીયા.
3. અનિલભાઈ (સોનલના પિતા


રેવન્યુ વિભાગના કર્મચારી દિલીપભાઇ કારિયા, તેનાં પત્ની તરુલતાબેન, જમાઇ અનિલ, દોહિત્રી સોનલ સહિતના પરિવારના સભ્યો ઋષિકેશ ફરવા ગયાં હતાં. સોમવારે સાંજે ઋષિકેશમાં નીલકંઠ મહાદેવ મંદિર પાસે આવેલા ભીમચડ્ડામાં હતો ત્યારે સોનલ (ઉં.વ. 18) નદીમાં ઊતરી હતી. ગોઠણડૂબ પાણીમાં સોનલ નદીના પાણીનો આનંદ માણી રહી હતી, એ વખતે જ પાણીનો પ્રવાહ વધી જતાં સોનલ પાણીમાં તણાવા લાગી હતી.


આથી તેણે બૂમાબૂમ કરતા નાની તરુલતાબેન દિલીપભાઇ કારિયાએ નદીમાં ઝંપલાવ્યું હતું. જોકે, પાણીનો પ્રવાહ વધુ હોવાથી બંને તણાવા લાગ્યાં હતાં. બંનેને તણાતા જોઇ અનિલભાઇએ નદીમાં ઝંપલાવ્યું હતું અને પળવારમાં જ ત્રણેયને નદીનો પ્રવાહ દૂર સુધી ખેંચી ગયો હતો. ઘટનાને પગલે ત્યાં લોકો એકઠા થઇ ગયા હતા અને સ્થાનિક તંત્રને જાણ કરાઈ હતી.