રાજકોટઃ ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હવે તેમની તબિયતમાં સુધારો આવી રહ્યો છે. અભય ભારદ્વાજના નાના ભાઈ નીતિન ભારદ્વાજે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગઈ કાલથી ટ્રીટમેન્ટને કારણે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેઓ રિકવર થઈ રહ્યા છે.


તેમણે જણાવ્યું હતું કે, તેઓ હાલ વેન્ટિલેટર ઉપર છે, પરંતુ સારી વાત એ છે કે, તેમને 30 ટકા જ ઓક્સિઝન આપવામાં આવી રહ્યો છે. સર્જરી પછી તેમની તબિયત સુધારા પર છે. નોંધનીય છે કે, શ્વાસની નળીમાં દૂરબીનની મદદથી બ્લોકેજ દૂર કરવામાં આવ્યું છે.

અભય ભારદ્વાજને કોરોનાને કારણે ફેફસામાં ગંભીર સ્થિતિ ઉભી થઈ હતી. ઓક્સિજન-કાર્બનડાયોકસાઇડનું લેવલ જળવાતું નહોતું. તેથી તેઓ વેન્ટિલેટર પર છે. હાલ, તેમને એકમો ટ્રીટમેન્ટ ચાલી રહી છે. ફેફસાના નિષ્ણાંત ડો. સમીર ગામી સારવાર કરી રહ્યા છે.

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને કોરોના પોઝિટિવ આવતા 31 ઓગસ્ટથી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમજ છેલ્લા 3 દિવસથી તબિયત નાજુક થતા વેન્ટિલેટર પર મુકાયા હતા. તબિયત બગડતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 3 તબીબની ટીમને અમદાવાદથી રાજકોટ મોકલી હતી અને સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ આવ્યા હતા. તબીબોની ટીમ સિવિલ ગઈ હતી અને સારવાર અંગે ચર્ચા કરી હતી.