રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
રાજકોટ: ગુજરાતના ઉદ્યોગ જગતમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તેવી 'રિજનલ વાઈબ્રન્ટ સમિટ' માટે રંગીલું રાજકોટ સજ્જ બન્યું છે. આગામી 11મી જાન્યુઆરીના રોજ રાજકોટમાં રાજ્ય સરકાર દ્વારા જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ: ગુજરાતના ઉદ્યોગ જગતમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તેવી 'રિજનલ વાઈબ્રન્ટ સમિટ' માટે રંગીલું રાજકોટ સજ્જ બન્યું છે. આગામી 11મી જાન્યુઆરીના રોજ રાજકોટમાં રાજ્ય સરકાર દ્વારા જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહી સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગને નવું જોમ પૂરશે.
રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 11 જાન્યુઆરીએ પીએમ મોદીનો રોડ શો યોજાનાર હોવાથી સરકારના મંત્રી જીતુ વાઘાણી, સાંસદો અને ધારાસભ્યો જુના એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં રોડ શોના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ દરમિયાન જિલ્લા વહીવટી પ્રશાસન અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. મળતી માહિતી મુજબ અંદાજીત 1 કિમીનો રોડ શો યોજાય તેવી શક્યતા છે, જેમાં રૂટ જુના એરપોર્ટથી શરૂ થઈ આમ્રપાલી સર્કલ, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, માધાપર ચોકડી થઈ મારવાડી કોલેજ સુધી રાખવામાં આવ્યો છે.
PM મોદીનો ભવ્ય રોડ-શો અને ઉદઘાટન
સમિટના મુખ્ય આકર્ષણ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજકોટમાં એક ભવ્ય રોડ-શો યોજાશે. પીએમને આવકારવા માટે માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીના હસ્તે આ ટ્રેડ શોનું ઉદઘાટન કરવામાં આવશે, જે સ્થાનિક ઉદ્યોગકારો માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે.
વૈશ્વિક સહભાગીદારી અને મોટા રોકાણો
- આ સમિટમાં સ્થાનિકથી લઈને વૈશ્વિક સ્તરના ઉદ્યોગકારો જોડાશે:
- દેશોની ભાગીદારી: યુક્રેન, જાપાન, કોરિયા અને યુગાન્ડા સહિત 22 દેશોના ઉદ્યોગકારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
- દિગ્ગજ કંપનીઓ: અદાણી, ટાટા અને રિલાયન્સ જેવા મોટા ઉદ્યોગ ગૃહો પણ આ સમિટમાં સહભાગી થશે.
- MOU: સમિટ દરમિયાન સૌરાષ્ટ્રના વિકાસ માટે અનેક મહત્વના MOU (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કરવામાં આવશે.
- રજિસ્ટ્રેશન: અત્યાર સુધીમાં 6 હજારથી વધુ લોકોએ આ સમિટ માટે નોંધણી કરાવી લીધી છે.
જિલ્લા પ્રશાસનની તડામાર તૈયારીઓ
રાજકોટ કલેકટર ઓમપ્રકાશ મચ્છરાની આગેવાનીમાં જિલ્લા પ્રશાસન લાંબા સમયથી આ ઈવેન્ટને સફળ બનાવવા રાત-દિવસ મહેનત કરી રહ્યું છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના સીધા માર્ગદર્શન હેઠળ આ સમગ્ર આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આયોજનની મુખ્ય વિશેષતાઓ:
- વિશાળ પ્રદર્શન: 26,400 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
- સ્વદેશી થીમ: વડાપ્રધાનનું સ્વાગત સંપૂર્ણપણે 'સ્વદેશી થીમ' પર કરવામાં આવશે.
- સેમિનારો: સ્ટાર્ટઅપ અને અન્ય ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ વિષયો પર સેમિનારો અને બેઠકો યોજાશે.
- સાંસ્કૃતિક કાર્યક્રમ: વાઈબ્રન્ટ સમિટની શાન વધારવા માટે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ પ્રસ્તુતિ કરવામાં આવશે.
સૌરાષ્ટ્રના અર્થતંત્રને મળશે નવી ઊંચાઈ
મહેસાણા બાદ હવે રાજકોટમાં આયોજિત આ સમિટનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્રના લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેક મંત્રીઓની હાજરીમાં યોજાનારી આ સમિટથી રોજગારી અને રોકાણની નવી તકો ઉભી થશે.





















