Bharat Bakery: આજકાલ લોકો બહારનું ખાવાનું વધારે પસંદ કરે છે. તેવામાં લોકોની આ આદતનો લાભ લઈને વેપારીઓ અનેક વસ્તુઓમાં ભેળસેળ કરીને વેચતા હોય છે. દૂધ હોય, જીરૂ હોય, પનીર હોય આવી અનેક વસ્તુઓ છે જેમાં ભેળસળ થતી આવી છે. ત્યારે હવે રાજકોટમાં ટોસ્ટના નમૂના ફેઈલ મળી આવ્યા છે. રાજકોટની નામાંકીત ભારત બેકરીનાં ટોસ્ટના નમૂના ફેઇલ થયા છે. ટોસ્ટમાંથી સેકરીન, સિન્થેટિક કલરની ભેળસેળ મળી આવી છે. આ ભેળસેળ વાળી વસ્તુ ખાવાથી આંતરડા, ચામડી અને પેટને લગતા રોગ થાય છે.


લાંબો સમય સુધી ખાવાથી આંતરડાનું કેન્સર પણ થઈ શકે. ઑગસ્ટ મહિનામાં RMC ના ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનો 4 મહિના બાદ રિપોર્ટ આવ્યો છે. 19 ઓગસ્ટના રોજ ટોસ્ટ ઉપરાંત બ્રાઉન બ્રેડના સેમ્પલ લેવાયા હતા. અને કેકમાં પણ ઈંડાનો ઉપયોગ કરાતો હોવાની શંકાના આધારે નમૂના લેવાયા હતા. જેનો કોઈ પણ પ્રકારનો રિપોર્ટ નથી આવ્યો. માત્ર ટોસ્ટનો જ રિપોર્ટ આવ્યો છે અને તેમા ભેળસેળ હોવાનું બહાર આવ્યું છે.


આ પહેલા વિજાપુર ખાતેથી પકડાયેલા મરચાના સેમ્પલ ફાઈલ આવ્યા હતા. વિજાપુરનાં મુકેશ મહેશ્વરીના ઉમિયા ગોડાઉનમાં ગત 8 મેના રોજ શંકાસ્પદ મરચું ઝડપાયું હતું. રેડ દરમિયાન હલકી ગુણવત્તાના મરચા પર લાલ કલર ચડાવીને ભેળસેળ થતી હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને રૂ.10.45 લાખનો શંકાસ્પદ મરચાનો 3849 કિલો જથ્થો સિઝ કરવામાં આવ્યો હતો.


સેમ્પલનો રિપોર્ટ આરોગ્યને હાનિકર્તા, અસુરક્ષિત હોવાનો અનસેફ આવ્યો છે. મરચાનાં ભેળસેળ મામલે મુકેશ મહેશ્વરી નામના વેપારી સામે કાર્યવાહી કરવામાં આવશે. આ વેપારીને ત્યાં પણ ભેળસેળ મામલે બે વખત દરોડા પડી ચૂક્યા છે.


જીરૂમાં ભેળસેળ


રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મહેસાણામાં દરોડા પાડીને નકલી જીરુંનો 25 ટન જથ્થો અને રો મટિરિયલ મળી કુલ 31 ટન જથ્થો જપ્ત કર્યો હતો.  આ કેસમાં પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે એકદમ સસ્તા ભાવની વરિયાળીને જીરુંનો આકાર આપીને નકલી જીરું બનાવવામાં આવતું હતું. બાદમાં આ નકલી જીરુંના જથ્થાને ગુજરાત બહાર દિલ્હીના વેપારીઓને સપ્લાય કરવામાં આવતો હતો. હાલમાં પોલીસે નકલી જીરુંનો માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


નોંધનીય છે કે મહેસાણા જિલ્લાના ઊંઝાના દાસજ રોડ ઉપરથી નકલી જીરું બનાવતી ફેકટરી ઝડપાઇ હતી. મહેસાણા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.  ઊંઝાના દાસજ ગામ નજીક નકલી જીરું બનતું હતું.   ફૂડ વિભાગનો દરોડો પડતા શેડમાં ચાલતી ફેક્ટરીના માલિકે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે, આ જીરુનો જથ્થો નથી.