Saurashtra Rain: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં મેઘરાજા ભારે રૌદ્ર સ્વરૂપ દાખવી રહ્યા છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, હળવદ તેમજ કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદના કારણે નદીઓ, ડેમો છલકાઈ ગયા છે અને વાહનવ્યવહાર પર માઠી અસર પહોંચી છે.

Continues below advertisement

 

Continues below advertisement

સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અંબાલાલ પટેલની આગાહી:

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ અને હળવદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો...Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

મોરબીની જીવાદોરી મચ્છુ-2 ડેમ છલકાયો, 29 ગામો એલર્ટ:

માત્ર 24 કલાકના ભારે વરસાદમાં મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં 13,000 ક્યૂસેક પાણીની આવક થતાં તેના 4 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતાં તંત્ર દ્વારા મોરબી અને માળિયા તાલુકાના 29 ગામોને સાવચેત રહેવા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજકોટ એરપોર્ટના નવા ટર્મિનલમાં પાણી ટપક્યું:

તાજેતરમાં જ ખુલ્લા મુકાયેલા રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા ટર્મિનલની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. નવા ટર્મિનલના એરોબ્રિજમાં વરસાદી પાણી ટપકવા લાગતાં તેના વિડીયો સામે આવ્યા છે અને તંત્રની નબળી કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢમાં ઉબેણ નદીમાં પૂર, અમરેલીમાં રાજ્યમંત્રીએ ટ્રેક્ટર ચલાવી નવા નીર વધાવ્યા:

જૂનાગઢના ભેસાણમાં વરસેલા ધોધમાર વરસાદથી ઉબેણ નદી બે કાંઠે વહેવા લાગી છે અને પૂરના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે. તો બીજી તરફ, અમરેલીના દેવભૂમિ દેવળીયા ગામે અવિરત વરસાદથી તળાવ ભરાતાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ જાતે ટ્રેક્ટર ચલાવીને ખેડૂતો સાથે નવા નીરના વધામણા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ મુખ્યમંત્રી દ્વારા દેવભૂમિ દેવળીયા ખાતેના મહાદેવ મંદિરના પ્રવાસન વિકાસ માટે 3.21 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે રેસ્ક્યૂ ઓપરેશન, 3 મહિનામાં જ રોડનું નાળું તૂટ્યું:

સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના કોચાડા ગામમાં ભારે વરસાદથી ફસાયેલા 6 લોકોને બોટની મદદથી મોડી રાત્રે સહીસલામત રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. બીજી તરફ, ચોરવીરા-આયા ગામનો રસ્તો બંધ થઈ ગયો છે. માત્ર 3 મહિના પહેલાં જ બનેલા રોડ પરનું નાળું તૂટી જતાં 4 થી 5 ગામોનો સંપર્ક કપાયો છે, જેથી ગ્રામજનોએ કામગીરીની ગુણવત્તા પર ભારે સવાલો ઉઠાવ્યા છે.

સાણંદ-વિરમગામ હાઈવે બંધ, GIDCના શ્રમિકોનું રેસ્ક્યૂ:

સાણંદ-વિરમગામ હાઈવે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. હાઈવેની બંને બાજુ પાણી ભરાતાં સાણંદ GIDCમાં કામ કરતા કારીગરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

રાજ્યભરમાં 3 નેશનલ હાઈવે અને 30 સ્ટેટ હાઈવે સહિત 648 રસ્તા બંધ:

ભારે વરસાદના કારણે રાજ્યમાં વાહનવ્યવહાર ખોરવાયો છે. સમગ્ર ગુજરાતમાં 648 રસ્તાઓ બંધ છે, જેમાં 3 નેશનલ હાઈવે અને 30 સ્ટેટ હાઈવેનો સમાવેશ થાય છે. અમદાવાદ, છોટાઉદેપુર અને સુરતમાંથી પસાર થતો નેશનલ હાઈવે બંધ સ્થિતિમાં છે.