Accident News: બનાસકાંઠાના ધાનેરામાં હિટ એંડ રનમાં એકનું મોત થયું છે જ્યારે બે લોકો ઘાયલ થયા છે. જીવાણા ગામે પાસે રીક્ષા અને કારને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર થયો છે. જો કે બનાવમાં એકનું મોત થયું છે જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને 108ની મદદથી સારવાર માટે ધાનેરા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં અકસ્માતમાં બેના મોત
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મેતાખભાળિયા પાસે અકસ્માત થયો છે. પુલ પરથી બાઈક સવાર બે વ્યક્તિ નીચે પટકાતા મોત થયા છે. 40 ફૂટ નીચે પટકાતા બન્ને કૌટુંબિક ભાઈઓના મોત થયા છે. મૃતક ખાતરા રતિલાલ અને ખાતરા કિશોરભાઈ દેરડીના હોવાની માહિતી છે. હાલ તો મૃતદેહોને સરકારી હોસ્પિટલમાંપોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. સુલતાનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગરમાં અકસ્માત
ભાવનગરમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. શહેરમાં રફતારના કહેરે એક મહિલાનો જીવ લીધો છે. યમરાજની માફક ખુલ્લે આમ ચાલતા બેરોકટોક ડંપરે રેખાબેન રાઠોડનો ભોગ લીધો છે. ભાવનગરના રંગોલી ચોકડી પાસે આવેલી હોટલની બહાર મહિલા ઉભી હતી, જેને ડંપરે કચડી નાંખી હતી. ભાવનગરમાં એક જ મહિનાની અંદર આ બીજો બનાવ છે. વારંવાર અકસ્માતની ઘટનામાં નિર્દોષ લોકો જીવ ગુમાવે છે તેમ છતાં જવાબદાર તંત્ર માત્ર મોતનો તમાશો જુએ છે.
સોમવારે વલસાડ જિલ્લાના વાપીમાં નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. એક અજાણ્યા રાહદારીને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. આ ટક્કર એટલી જોરદાર છે કે આ રાહદારી સ્ત્રી છે કે પુરુષ તે પણ જાણવું મુશ્કેલ બન્યું છે ત્યારે ડુંગરા પોલીસે આ મામલે આ વાહનની શોધખોળ હાથ ધરી હતી. વાપી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. અજાણ્યા વાહને સલવાવ પાસે નેશનલ હાઇવે પર રાહદારીને ટક્કર મારીને 60 મીટર ઢસડ્યો હતો. ટ્રકથી ઢસડાતા મૃતદેહ ક્ષત વિક્ષત થઈ ગયો હતો, જેના કારણે મૃતદેહ મહિલાનો છે કે પુરુષનો તે પણ ઓળખવું મુશ્કેલ બન્યું છે. હાલ ડુંગરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ દિલ્હીના કંઝાવલામાં હિટ એન્ડ રનની ઘટનાની યાદ અપાવી હતી. દિલ્હીમાં કારચાલકે એક યુવતીને પોતાની કાર સાથે ઢસડી હતી. યુવતી કારના આગળના વ્હીલમાં ફસાઈ ગઈ હતી. પરંતુ કારચાલકને જાણ સુદ્ધા નહોતી થઈ અને તેણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.