Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ લોહિયાળ બન્યો હતો. શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર રોડ ઉપર છરીના સાતથી આઠ ઘા ઝીંકી યુવાનની હત્યા કરવામાં આવી હતી.

Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ લોહિયાળ બન્યો હતો. શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર રોડ ઉપર છરીના સાતથી આઠ ઘા ઝીંકી યુવાનની હત્યા કરવામાં આવી હતી. છરીના 8 ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા થયાનો તપાસમાં ખુલાસો થયો હતો. સહકાર મેઈન રોડ પર સાવન ગોસ્વામી નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. હત્યાની ઘટના બનતા જ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પ્રેમ પ્રકરણ અને જૂની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ભક્તિનગર પોલીસે હત્યાના ગુનામાં બે આરોપીને રાઉન્ડ અપ કર્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર રોડ ઉપર રહેતા સાવન ગોસ્વામી નામના 45 વર્ષના યુવકની છરીના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી. જેથી લોહીલુહાણ હાલતમાં તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ડોક્ટરોએ ગંભીર રીતે ઘાયલ યુવકને મૃત જાહેર કર્યો હતો. હત્યાની ઘટનાની જાણ થતા જ ભક્તિનગર પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. જે દરમિયાન પોલીસે કરેલી તપાસમાં સામે આવ્યું હતું કે, આ યુવકની જૂની અદાવત અને પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હતી. એક મહિલા અને તેની સાથેના અન્ય શખસો દ્વારા યુવકની હત્યા કરાઈ હતી. મૃતક યુવક પોતે જ ઝઘડો કરવા મહિલા પાસે ગયો હતો અને દરમિયાન મહિલાએ અન્ય શખ્સો સાથે મળી તેની હત્યા કરી હતી.
સુરતમાં બુટલેગરો બન્યા બેફામ
સુરતમાં બુટલેગરો બેફામ બન્યા હતા. વેડરોડ પર અંગત અદાવતમાં બે યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. નિલેશ રાઠોડ સહિત બે પર ચપ્પુથી જીવલેણ હુમલાનો આરોપ લાગ્યો છે. બુટલેગર ભરત પટ્ટીના સાગરિતો પર હુમલાનો આરોપ લાગ્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત બંને યુવકને સારવારમાં ખસેડાયા હતા. ચોક બજાર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
જસદણમાં પતંગ ચગાવવા જેવી નજીવી બાબતે મારામારી
રાજકોટના જસદણમાં પતંગ ચગાવવા જેવી નજીવી બાબતે હિંસક મારામારી થઈ હતી. ચિતલીયા કુવા રોડ પર વિશાલ છાયાણી નામના શખ્સ પર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે. પતંગ ચગાવવા બાબતે વિશાલ છાયાણીને બાળકો સાથે બોલાચાલી થઈ હતી. જેની અદાવતમાં બે શખ્સોએ છરીથી હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ વિશાલ છાયાણીને પીઠના ભાગે 15 જેટલા ટાંકા લેવા પડ્યા. તો જમણા હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. હુમલાની ઘટનાની જાણ થતા પરિવાર અને સમાજના લોકો સરકારી હોસ્પિટલ પર દોડી આવ્યા હતા. હુમલો કરનાર આરોપીઓ નશાની હાલતમાં હોવાનો ઈજાગ્રસ્તે આરોપ લગાવ્યો હતો. ઈજાગ્રસ્તની ફરિયાદ લઈને જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મોરબીના વાવડી રોડ પર મારામારી
મોરબીના વાવડી રોડ પર મારામારીની ઘટના બની હતી. ધાબા પર અપશબ્દો બોલાવાને લઈને પાડીશોએ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બોલાચાલી પળવારમાં જ મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. બંન્ને પક્ષો સામસામે લાકડી અને ધોકા લઈને એકબીજા પર તુટી પડ્યા હતા. એક મહિલા ઝઘડો રોકવા વચ્ચે પડી તો સામેના પક્ષે એક શખ્સે મહિલા પર પણ હુમલો કરી દીધો. હાલ તો વાયરલ વીડિયોના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.






















