રાજકોટ: આજકાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હથિયાર સાથે ફોટો અને વીડિયો મૂકવા ફેશન બની ગઈ છે. યુવકો સીનસપાટા  મારવા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પ્રકારની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતા હોય છે. આ પ્રકારનો જ એક કેસ સામે આવ્યો છે જેમાં રાજકોટ રૂરલ એસઓજીની ટીમે ડબલ જોટાવાળી બંદૂક સાથેનો ફોટો ફેસબુકમાં મુકતા જીઓ કેર સેન્ટર ચલાવતા યુવાન અને ખેડૂતની ધરપકડ કરી છે. 


લાયસન્સ વાળી બંદૂક સાથે ફોટા પડાવ્યો હતો


મીડિયા અહેવાલ અનુસાર, ઉપલેટાના ચંદ્રેશ શંભુ બારૈયાએ પોતાના મિત્રના પિતા ભાયાવદરની મતવા શેરીમાં રહેતા હાજાભાઈ પબા ખાંભલાની લાયસન્સ વાળી બંદૂક સાથે ફોટા પડાવ્યો હતો. રૂરલ એસઓજીએ ભાયાવદર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે. 




પોલીસને બાતમી મળી હતી


આ અંગે એસઓજીના સૂત્રોએ જણાવ્યા મુજબ, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવએ હથિયાર, નારકોટિક્સના કેસો અંગે ખાસ ઝુંબેશનું આયોજન કર્યું હોય રાજકોટ એસપી જયપાલસિંહ રાઠોડની સૂચનાથી સોશ્યલ મીડીયા મારફતે હથીયારના ફોટા સાથે રોફ જમાવતા શખ્સો ઉપર કેસો કરવા માટે સુચના આપવામાં આવેલી હોય જેને  લઈને એસઓજી શાખાના પોલીસ કર્મચારીઓ ભાયાવદર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ વેગડને બાતમી મળી હતી કે ચંદ્રેશભાઇએ પોતાના ફેસબુક  એકાઉન્ટ મારફતે હથિયાર સાથે  તસવીર અપલોડ કરી છે. પોલીસે ચંદ્રેશની પુછપરછ કરતા હાજાભાઇ પબાભાઇ ખાંભલા રહે.ભાયાવદરની પરવાના વાળા હથીયાર સાથે ફોટો પાડી અપલોડ કર્યો હોય, જેથી લાયસન્સ ધારકની શરત ભંગ કરેલ હોવાનું જણાઇ આવતા તેમની વિરૂધ્ધ ભાયાવદર પોલીસ મથક ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. 


ફેસબુક પર  ડબલ જોટાવાળી બંદૂક સાથેનો ફોટો અપલોડ કર્યો હતો


પોલીસે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ચંદ્રેશ જીઓ કેર સેન્ટર ચલાવે છે. ભાયાવદરનો પરેશ તેનો મિત્ર હોય અને પરેશના પિતા હાજાભાઈ પાસે લાયસન્સ વાળી બંદૂક હોય જેથી ચંદ્રેશ અંદાજે સાત મહિના પહેલા પોતાના જન્મદિવસ પર મિત્રની વાડીએ ગયો હતો. આ દરમિયાન તેણે વાડીએ પોતાના મિત્રના પિતાની લાયસન્સવાળી બંદૂક સાથે તસવીરો પડાવી હતી. ચંદ્રેશે પોતાના ફેસબુક એકાઉન્ટ પર  ડબલ જોટાવાળી બંદૂક સાથેનો ફોટો અપલોડ કર્યો હતો. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial