નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણનો જવાબ આપતા ખેડૂતોને આંદોલન સમાપ્ત કરવાની અપીલ કરી હતી.પીએમ મોદીએ કહ્યું કે, કૃષિ કાયદામાં કોઈ ખામી હોય તો તેને સુધારીશું. માર્કેટને વધુ આધુનિક બનાવાશે. MSP છે, MSP હતું અને MSP રહેશે. ખેડૂતોએ આંદોલન ખતમ કરીને ખરે પરત જોવું જોઈએ. વડાપ્રધાનના આ નિવેદન પર ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે પ્રતિક્રિયા આપી છે.

રાકેશ ટિકૈતે કહ્યું કે, જો પીએમ મોદી વાતચીત કરવા માંગે છે તો અમારી કમિટી વાતચીત માટે તૈયાર છે. અમારી પંચ પણ ત્યાં છે અને અમારું મંચ પણ. MSP પર કાયદો બને તે ખેડૂતો માટે ફાયદાકારક રહેશે.

ટિકૈતે વધુમાં કહ્યું કે, દેશમાં ભૂખ પર વ્યાપાર નહીં થાય. અનાજની કિંમત ભૂખ પર નક્કી ના થાય. ભૂખ પર વેપાર કરનારાઓને દેશની બહાર હાંકી કઢાશે. આજે દેશમાં પાણી કરતા સસ્તુ દૂધ વેચાઈ રહ્યું છે. ખેડૂતોને દૂધ પર ખર્ચ વધુ આવી રહ્યો છે, પરંતુ ભાવ પૂરતો મળતો નથી. દૂધની રેટ પણ ફિક્સ હોવી જોઈએ.



આ ઉપરાંત રાકેશ ટિકૈતે કહ્યું કે, વડાપ્રધાને જે રીતે જનાતે ગેસ પર સબસિડી છોડવાની અપીલ કરી હતી, તે રીતે હવે સાંસદો અને ધારાસભ્યોને પણ અપીલ કરવી જોઈએ કે, જેઓ પેન્શન લઈ રહ્યાં છે તે છોડી દેવી જોઈએ. જો સાંસદ અને ધારાસભ્ય પેન્શન છોડી દેશે તો કિસાન ભારતીય યુનિયન તેમનો આભાર માનશે.

પીએમ મોદીએ સદનમાં કહ્યું હતું કે, આપણે એક વખત જોવું જોઈએ કે કૃષિ પરિવર્તનથી બદલાવ આવે છે કે નહીં, કોઈ ખામી હોય તો તેને સુધારીશું. હું વિશ્વાસ અપાવું છું કે, માર્કેટને વધુ આધુનિક બનાવાશે. MSP છે, MSP હતું અને MSP રહેશે. આ સદનની પવિત્રતા આપણે સમજીએ. જે 80 કરોડ લોકોને સસ્તામાં રાશન આપવામાં આવે છે તે પણ ચાલુ રહેશે.

વડાપ્રધાને કહ્યું હતું કે, દરેક કાયદામાં સારા સૂચનો બાદ ફેરફાર થાય છે. તેથી સારું કરવા માટે સારા સૂચનો સાથે, સારા સુધારો કરવાની તૈયારી સાથે આપણે આગળ વધવું પડશે. હું આપ સૌને નિમંત્રણ આપું છું કે, આપણે દેશને આગળ લઈ જવા માટે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે આંદોલનકારીઓને સમજાવીને દેશને આગળ લઈ જવું પડશે.