Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
આ ઘટનાને પગલે ગણેશ વિસર્જનનો ઉત્સવ અચાનક માતમમાં ફેરવાઈ ગયો હતો. મૃતક યુવકો કામરેજના ખોલવડ ગામની ગુરુકૃપા સોસાયટીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

- સુરતના કામરેજમાં ગણેશ વિસર્જન સમયે નાવડી ડૂબી ગઈ.
- તાપી નદીમાં નાવડી ડૂબતા ત્રણ યુવકોના મોત થયા.
- મૃતકો કામરેજના ખોલવડ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું.
- પોલીસે મૃતદેહોનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી.
Surat news: સુરત કામરેજના ધોરણ પારડી ગામે ગણેશ વિસર્જન દરમિયાન એક મોટી અકસ્માતની ઘટના બની હતી. તાપી નદીમાં ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે જઈ રહેલી નાવડી ડૂબી જતાં ત્રણ યુવકોના મોત થયા છે. આ ઘટનાને પગલે ગણેશ વિસર્જનનો ઉત્સવ અચાનક માતમમાં ફેરવાઈ ગયો હતો. મૃતક યુવકો કામરેજના ખોલવડ ગામની ગુરુકૃપા સોસાયટીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
ગણેશ વિસર્જન માટે તાપી નદીમાં જઈ રહ્યા હતા
અહેવાલ અનુસાર, કામરેજના ધોરણ પારડી ગામે ગણેશ વિસર્જન માટે યુવકો તાપી નદી તરફ ગયા હતા. મંગલમૂર્તિનું વિસર્જન કરવા માટે નાવડીમાં સવાર થઈ તેઓ નદીમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક નાવડી ડૂબી ગઈ હતી. નાવડી ડૂબી જતાં તેમાં સવાર ત્રણ યુવકો પાણીમાં ગરકાવ થયા હતા. ઘટનામાં ત્રણેય યુવકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ત્રણેય મૃતકો કામરેજના ખોલવડ ગામની ગુરુકૃપા સોસાયટીમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરી
ઘટનાની જાણ થતાં કામરેજ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્રણ યુવકોના મોતના સમાચારથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. એકસાથે ત્રણ યુવકોના મોતથી ખોલવડ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગણેશ વિસર્જનનો પર્વ ત્રણ પરિવારો માટે કરૂણ ઘટનામાં ફેરવાઈ ગયો છે.
અમરેલીના બાબરાના મોટા દેવળીયા ગામે ચેકડેમમાં નાહવા પડેલા 4 લોકો ડૂબ્યા
મળતી માહિતી મુજબ, મોટા દેવળીયા ગામના સ્થાનિક ચેકડેમમાં ચાર લોકો નાહવા માટે પડ્યા હતા. જોકે પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા ચારેય લોકો પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનામાં બાબરા પોલીસ ગણેશ વિસર્જનના બંદોબસ્ત માટે જઈ રહી હતી ત્યારે રસ્તામાં ચેકડેમ નજીક કેટલાક વસ્ત્રો નજરે પડ્યા હતા. પોલીસને શંકા જતા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચેકડેમના પાણીમાં મૃતદેહો નજરે પડ્યા હતા.
મૃતદેહો નજરે પડતાં બાબરા પોલીસની ટીમે સ્થાનિક લોકોની મદદથી ચેકડેમમાંથી ચારેય મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ મૃતદેહોને જરૂરી કાર્યવાહી માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ચેકડેમમાં ડૂબી જવાથી સગા બે મામા અને બે ભાણેજના મોત થતાં પરિવાર પર આભ ફાટ્યું છે. એકસાથે ચાર લોકોના મોતના સમાચારથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
Before You Go
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર






















