ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 38 ટકા જેટલો વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 108 તાલુકામાં વરસાદ નોંધાયો. જેમાં સુરતના ઉમરપાડામાં 24 કલાકમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઉમરપાડામાં મોહન નદી આસપાસના 8થી વધુ ચેકડેમ ભારે વરસાદના કારણે છલકાયા હતા.


આ ઉપરાંત ભરૂચના નેત્રંગમાં પણ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભરૂચના અંકલેશ્વર અને જંબુસરમાં પણ વરસાદ નોંધાયો હતો. ભરૂચમાં ધોધમાર વરસાદને પગલે લોકોની દુકાનોમાં પાણી ઘૂસી જતાં મોટું નુકસાન થયું હતું. ડાંગના વઘઈમાં પણ 4 ઈંચ વરાસદ વરસ્યો તો આ તરફ ખેડાના મહુધામાં ધોધમાર 3 ઈંચ વરસાદ પડ્યો હતો.

સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા અને જામનગરમાં વરસાદ નોંધાયો હતો. 24 કલાકમાં પોરબંદરના રાણાવાવમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. બરડા પંથકના ગામોમાં ધોધમાર વરસાદથી ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા. આ તરફ દ્વારકા, ખંભાળિયા અને ભાણવડમાં પણ સારો
વરસાદ જોવા મળ્યો હતો. દ્વારકામાં 2 ઈંચ, ભાણવડમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.

અરવલ્લીના ભિલોડા અને ધનસુરામાં 2-2 ઈંચ જ્યારે બાયડમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. સિઝનમાં અત્યાર સુધી વરસેલા વરસાદની વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો કુલ 155 ટકા, પોરબંદર જિલ્લામાં સિઝનનો કુલ 107 ટકા, જામનગર જિલ્લામાં સિઝનો કુલ 101 ટકા, કચ્છમાં સિઝનનો કુલ 85 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે.