સુરત: વધુ એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સચિન સ્ટેશન પાસે ટેમ્પોમાં રમી રહેલી બાળકી નીચે પટકાઈ હતી. ત્યારબાદ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જોકે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મોટી દીકરીનું મોત થતાં માતાના હૈયાફાટ રુદનથી માહોલ ગમગીન થઇ ગયો હતો.


આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર મૂળ યુપીના  રહેવાસી અખિલ ચૌહાણ છેલ્લા 12 વર્ષથી સુરતમાં સચિન કનસાડ રોડ પર રહે છે. સચિન સ્ટેશન પાસે શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના પરિવારમાં પત્ની અને બે દીકરી છે. 3 વર્ષની શિવાની પરિવારની મોટી દીકરી હતી. ટેમ્પોમાં રમતા સમયે પડી જતા ઇજા થઇ હતી.ગત 4 ઓગસ્ટના રોજ માતા પિતા શકભાજીની લારી પર હતા અને શિવાની નજીકમાં રહેલા ટેમ્પોમાં રમી રહી હતી. 


આ દરમિયાન નીચે પડી ગઈ હતી. જેથી માથાના ભાગે ઇજા થઇ હતી. એક દિવસ કઈ થયું ન હતું. આ દરમિયાન બીજીવાર ચાલતા ચાલતા પડી ગઈ હતી. જેથી તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. 6 ઓગસ્ટના રોજ બાળકીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં 4 દિવસ મોત સામે લડી બાળકી હારી ગઈ હતી અને દમ તોડી દીધો હતો. બાળકીના મોતના પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી હાલ પોલીસે બાળકીના પોસ્ટમોર્ટમ કરાવવા મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડ્યો છે. આ સાથે પરિવારના નિવેદન પણ લીધા છે. શિવાની પરિવારની મોટી દીકરી હતી. શિવાનીનું પડી ગયા બાદ મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે દીકરીના મોતના પગલે માતાના હૈયાફાટ રૂદનથી માહોલ ગમગીન થઇ ગયો હતો. હાજર સૌ કોઇના હદય પણ દ્રવી ઉઠ્યા હતા.


હરિયાણા રોડ અકસ્માતમાં પાટણના 4 આશાસ્પદ યુવકના મોત


હરિયાણામાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાટણના  ચૌધરી સમાજના  4 આશાસ્પદ યુવકના મૃત્યુ નિપજ્યાં છે.  અકસ્માતમાં મોતના સમાચારથી ચૌધરી સમાજમાં શોક વ્યાપી ગયો છે. હરિયાણામાં ટ્રક અને કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં પાટણના ચૌધરી સમાજના 4 યુવકોના મોત થયા હતા. અકસ્માત એટલો ભંયકર હતો કે, ચારેય યુવકના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યો મોત નિપજ્યાં હતા. આ ચારેય યુવકમાંથી એક  મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીનો ભાણેજ હોવાનું સામે આવ્યું  છે  દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીના ભાણેજ ગાડી લઈ હરિયાણા અને પંજાબ માંથી પશુ ખરીદવા માટે ગયા હતા. આ સમય દરમિયાન રોડ અકસ્માત નડતાં  4 યુવકોના મોત થયા છે. મોતના સમાચાર  ચૌઘરી સમાજમાં શોક વ્યાપી ગયો છે.


તો બીજી તરફ નવસારીમાં પૂરઝડપે જઇ રહેલી કારે અકસ્માત સર્જ્યો હતો. મળતી જાણકારી અનુસાર, વાંસદાના ચારણવાડા નજીક કાર ડીવાઈડર સાથે અથડાતા બે યુવકોના મોત થયા હતા. કારની સ્પીડ એટલી વધારે હતી કે કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ કારનો ભૂક્કો બોલી ગયો હતો. મૃતકોની ઓળખ પાર્થ ડોબરિયા અને વિકેશ ખાંટ તરીકે થઇ છે જ્યારે ઘાયલ યુવકોની ઓળખ નીરજ ડોબરિયા અને હર્ષિલ ઠુમ્મર તરીકે થઇ છે.


મળતી માહિતી અનુસાર, ચાર મિત્રો કાર લઇને સાપુતારા ફરવા જઇ રહ્યા હતા ત્યારે વાંસદા નજીક અકસ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે કાર ચાલક યુવક  અને અન્ય એક યુવકના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત યુવકોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કારમાં સવાર ચારેય મિત્રો અંકલેશ્વરની ફાર્મા કંપનીના કર્મચારીઓ હોવાની જાણકારી મળી છે.