સુરત: સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા બંગલામાં આગ લાગતાં AAPના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયાના પુત્રનું મોત નીપજ્યું છે. ઘરમાં આગ લાગવાના કારણે પરિવારના 6 સભ્યો બાજુના ઘરમાં કૂદીને પોતાનો જીવ બચાવી લીધો હતો, જોકે 17 વર્ષીય પુત્ર ફસાઈ જતાં તેનું મોત થયું છે.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી આનંદધારા સોસાયટીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જિતેન્દ્રભાઈ કાછડિયા સંયુક્ત પરિવારમાં રહે છે. ગ્રાઉન્ડ પ્લસ બે માળનો બંગલો ધરાવે છે. પરિવારમાં બે દીકરા છે. મોટો દીકરો અભ્યાસ કર્યા બાદ ધંધો કરે છે, જ્યારે નાનો દીકરો 17 વર્ષીય પ્રિન્સ ધોરણ 12માં અભ્યાસ કરતો હતો.પ્રિન્સ હાલ ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. ગ્રાઉન્ડ પ્લસ બે માળના મકાનમાં પહેલા માળે કોઈ નહોતું અને આખો પરિવાર બીજા માળે સૂતો હતો. દરમિયાન રાત્રે બે વાગ્યા આસપાસ પહેલા માળે અચાનક આગ ફાટી નીકળી હતી.
આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતું, જેથી ધુમાડો પણ આખા ઘરમાં પ્રસરી ગયો હતો. બીજા માળે જિતેન્દ્ર કાછડિયાના પરિવારના સાત સભ્ય સૂતા હતા. આગની ઘટનાની જાણ થતાં આખા પરિવારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. એક બેડરૂમમાં પ્રિન્સ અને તેનો ભાઈ સૂતા હતા, જેને તેના કાકાએ ધુમાડાની વચ્ચે જઈને જગાડ્યા હતા. ત્યાર બાદ તમામે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે નીચે ઊતરી શકાય એવી સ્થિતિ ન હતી. પરિવારના છ સભ્યએ બાજુમાં આવેલા મકાનના ધાબા પર કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.
આ દરમિયાન પ્રિન્સ ધુમાડાને કારણે બહાર નીકળી શક્યો નહોતો અને ત્યાં જ ફસાઈ ગયો હતો. આગમાં દાઝી જવાના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ દરમિયાન આગ લાગી હોવાનો કોલ ફાયર વિભાગને કરવામાં આવ્યો હતો, જેથી ફાયરનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગે ભારે મહેનત બાદ આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવી લીધો હતો. દરમિયાન બીજા માળેથી પ્રિન્સ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો, જેને તાત્કાલિક સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો.
પરિવારના નાના દીકરાનું મોત થતાં પરિવારમાં હાલ શોકનો માહોલ છવાઈ ગયો છે. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે, 2 વાગ્યા આસપાસ આગનો કોલ મળ્યો હતો. ત્યાર બાદ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ સાથે જ ઘરમાં સભ્યો પણ ફસાયા હોવાની પણ જાણ થઈ હતી. જોકે તેઓ કૂદી જતાં બચાવ થયો હતો, જ્યારે એક યુવક ફસાયો હોવાની જાણ થતાં તેને બચાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે તેને બચાવવામાં સફળતા મળી નહોતી.
આપના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ જણાવ્યું હતું કે મારા સાથી કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયાના ઘરે રાતે 2 વાગ્યા આસપાસ આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે બીજા માળે સૂતેલા બધા સભ્યો નીચે ઊતરી શક્યા નહીં અને ઉપર અગાશી તરફ દોડ્યા હતા. બાદમાં બાજુના ઘરની અગાશી પર કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. દુર્ભાગ્યએ વાતનું છે કે આ આગમાં જિતેન્દ્રભાઈનો નાનો દીકરો ફસાઇ ગયો હતો. તે પોતાનો જીવ ન બચાવી શક્યો. બીજા કોઈ સભ્યોને ઇજા થઈ નથી. મૃતકના કાકા નટવર કાછડિયાએ જણાવ્યું હતું કે અમે રાતે સૂતા હતા અને 2 વાગ્યે ખબર પડી કે ઘરમાં આગ લાગી છે, આથી જીવ બચાવવા અમારી ભાગાભાગીમાં પ્રિન્સ રહી ગયો હતો અને ફસાઈ ગયો હતો.