સુરત: સિંઘણપોરના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી દંપતિએ 5 લાખ-ફ્લેટ પડાવી લીધો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે. હવે આ મામલે પોલીસે હનીટ્રેપમાં સામેલ પતિ પત્ની સહિત 3 લોકોની ધરપકડ કરી છે. એમ્બ્રોડરીના કારખાનેદારને પ્રેમજાળમાં ફસાવી મહિલાએ શરીરસંબંધ બાંધ્યો હતો અને પતિએ વીડિયો ઉતાર્યો હતો. કારખાનેદાર​​​​​​​ ભાવનગરથી સુરત આવતા તેની પાછળ આવી મહિલાએ ફરીથી સંબંધ બનાવી બ્લેકમેલ કર્યો હતો.


સુરતના સિંઘણપોરમાં એમ્બ્રોઇડરીના કારખાનેદાર પાસે એક મહિલાએ આવીને તેના પતિને નોકરી ઉપર રાખવાનું કહીને મિત્રતા કેળવી હતી. બાદમાં કારખાનેદાર સાથે મહિલાએ શરીર સંબંધ બાંધ્યા હતા. જેનો વીડિયો મહિલાના પતિએ ઉતારી લઇ કારખાનેદારને બ્લેકમેઇલ કરી 5 લાખ પડાવ્યા હતા. આ ઉપરાંત અમરોલીમાં આવેલો એક ફ્લેટ પણ પોતાના નામે કરાવી લીધો હતો. બાદમાં કારખાનેદારને માર મારવામાં આવતા મામલો પોલીસમાં ગયો હતો. કારખાનેદારે મહિલા અને તેના પતિની સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સિંગણપોરમાં રહેતા અને પંડોળમાં એમ્બ્રોઇડરી કારખાનું ધરાવતા વેપારીના વર્ષ-2006માં ભાવનગરના ઉમરાળામાં હીરાનું કારખાનું ધરાવતો હતો. 


કારખાનાની સામે એક યુવતી પરિવારની સાથે રહેવા આવી હતી. મહિલાનો પતિ કામ કરતો ન હોવાથી તેણે વેપારી પાસે જઇ પતિને નોકરીએ રાખવા કહ્યું હતું. આ દરમિયાન મહિલા અને વેપારી વચ્ચેના સંબંધ વધ્યા હતા. ત્યારબાદ મહિલાએ વેપારીને પ્રેમજાળમાં ફસાવી શરીર સંબંધ બાંધ્યા હતા. જ્યારે પણ મહિલાનો પતિ ઘરે ન હોય ત્યારે તે કારખાનેદારને ઘરે બોલાવીને શારીરિક સંબંધ બાંધતી હતી.


એકવાર મહિલાએ કારખાનેદારને ઘરે બોલાવ્યો ત્યારે તેનો પતિ પણ ત્યાં હતો. જે બાદ યુવકે કારખાનેદાર અને તેમની પત્ની વચ્ચેના સંબંધનો વીડિયો બતાવીને 5 લાખ માંગ્યા હતા. બદનામીના ડરે કારખાનેદારે 5 લાખ આપી વીડિયો ડિલીટ કરવા કહ્યું હતું. પરંતુ મહિલાએ વીડિયો ડિલીટ કર્યો ન હતો. આ ઘટના બાદ કારખાનેદાર સુરત રહેવા આવતા તેની પાછળ પાછળ પતિ-પત્ની પણ સુરત આવ્યા હતા. અહીં મહિલાએ કારખાનેદારને ફોન કરીને પોતે લલીતાચોકડી વિસ્તારમાં રહેતી હોવાનું કહીને ઘરે બોલાવ્યા હતા. કારખાનેદારને ફરીથી ફસાવી ભૂતકાળ ભુલી જવા કહીને ફરીવાર સંબંધો બાંધ્યા હતા. થોડા દિવસ પહેલા જ કારખાનેદારે અમરોલીમાં ફ્લેટ બુક કરાવ્યો હતો. જેની જાણ થતા મહિલા અને તેના પતિએ વીડિયો વાઇરલ કરવાનું કહી ફ્લેટ પોતાના નામે કરાવી લીધો હતો. 


આ ઉપરાંત મહિલાના પતિએ કારખાનેદારને માર પણ માર્યો હતો. જે અંગે સિંગણપોર પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કારખાનેદાર સુરત આવ્યા બાદ તેની પાછળ પાછળ આવેલી મહિલા અને તેના પતિએ અહિંયા પણ આવી તેને બ્લેકમેલિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. જેમાં મહિલાનો પતિ કારખાનેદારના તેની પત્ની સાથેના જૂના વીડિયો બતાવીને ફરીવાર બ્લેકમેઇલીંગ શરૂ કરીને ઘરનો ઘર-વખરીનો સામાન તેમજ જ્વેલરીની વસ્તુ ખરીદીને તેનું બિલ કારખાનેદારને આપી દેતા હતા.