સુરતઃ અડાજણ-પાલ રોડ પર નોકરીની શોધમાં નીકળેલા બે મિત્રો ફૂલ સ્પીડમાં બાઈક લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન રોડ ક્રોસ કરતી કાર સાથે બાઈકચાલકો અથડાયા હતા. જેથી ઘટનાસ્થળે જ એકનું મોત થયું હતું. જ્યારે અન્ય એકને સારવાર અર્થે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગમખ્વાર એક્સિડન્ટ સીસીટીવીમાં કેદ થયો હતો. જેમાં બાઈક કાર ધીમે ધીમે રોડ ક્રોસ કરી રહી છે. એ દરમિયાન ટેમ્પોની સાઈડમાંથી ફૂલ સ્પીડે બાઈક આવીને કાર સાથે અથડાઈને નીચે પટકાય છે.
પીપલોદ એસએમસી ક્વાર્ટર ખાતે રહેતા પદ્માકર દેવરામ પાટીલ અગાઉ હોટલમાં મેનેજમેન્ટ સ્ટાફમાં નોકરી કરતાં હતાં. પરંતુ કોઈક કારણોસર નોકરી છૂટી જતાં તેઓ છેલ્લા ઘણા સમયથી બેકાર હતા. જેથી અન્ય હોટેલમાં વેઈટર તરીકે કામ કરતાં પોતાના મિત્ર મંગેશ પાટીલને લઈને આજે સવારે શહેરની હોટેલમાં નોકરી શોધવા માટે નીકળ્યા હતા. જેમાં કામ મળે તે અગાઉ જ એકનું મોત થયુ હતુ.
અડાજણ-પાલ રોડ પર હરીઓમ પેટ્રોલ પંપ નજીક ક્રોસ કરતી વેગનઆર કાર .જીજે 5 સીબી 3798 સાથે બાઈક ચાલકો ધડાકાભેર અથડાયા હતા. સાઈડમાં જતી ટેમ્પોના કારણે કદાચ બાઈકસવારોને કાર દેખાઈ નહોતું. એક્સિડન્ટમાં મંગેશનું મોત નીપજ્યું હતું. જ્યારે પદ્માકરને ઈજાઓ પહોંચતા સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
એક્સિડન્ટની જાણ થતાં જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અને પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને વધુ તપાસ શરૂ કરી હતી. આ તરફ સિવિલ હૉસ્પિટલમાં પદ્માકરની હાલત સામાન્ય હોવાનું તબીબોએ જણાવ્યું હતું.