સુરતઃ જ્યારથી બાગેશ્વર ધામ મધ્યપ્રદેશના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં આવવાના છે તેવી જાહેરાત કરવામાં આવી છે ત્યારથી જ વિવાદ શરુ થઈ ગયો છે. કેટલાક લોકો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં આવ્યા તો કેટલાક લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રાજકોટ, સુરત અને અમદાવાદમાં યોજાવાનો છે. જેને લઈને તૈયારીઓ પણ શરુ થઈ ગઈ છે. તો આ મામલે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે.


શંકરસિંહ વાઘેલાએ બાગેશ્વાર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીને ભાજપનું માર્કેટિંગ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, ખોટા ચમત્કારના નાટક બંધ થવા જોઈએ. તેમણએ કહ્યું કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ભાજપનું માર્કેટિંગ છે, તે ધર્મના નામે રાજકારણ કરી રહ્યા છે. ભાજપ ધર્મના નામે ધતિંગ કરાવી રહી છે. ધ કેરલા સ્ટોરી, બજરંગબલી બધુ ભાજપનું કોલાબ્રેશન છે.


કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને લખ્યો પત્ર, કપાસના ભાવને લઈને કર્યો કટાક્ષ


નોંધનીય છે કે, આ મામલે હવે સાવરકુંડલાના લીલીયાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામ મધ્યપ્રદેશને ઉલ્લેખીને પત્ર લખ્યો છે.


શું લખ્યું પત્રમાં


ગુજરાતમાં પધારી રહ્યા છો આપને આવકાર્ય છીએ આપની દિવ્ય શક્તિ મારફતે ભવિષ્યની જાણકારી આપી રહ્યા છો. ગુજરાત એક આસ્થામા માનનાર રાજ્ય છે ધાર્મિક સાધુ સંતોને સાથે રાખીને ગુજરાતની પ્રજાને આ સરકારે ધર્મની વાતો કરી શાસન કરી રહ્યા છે. ગુજરાતના એક નાગરિક તરીકે આમ પ્રજા તથા ખેડૂતો મધ્યમવર્ગ લોકો વતી આપની સમક્ષ તેમની વેદના રજૂ કરું છું. માન વડાપ્રધાન શ્રી એ 2016 માં કહ્યું હતું કે 2022 માં ખેડૂતોને હું બમણી આવક કરાવી આપીશ. કપાસના ભાવ  1,500 ની જગ્યાએ 2400 આપીશું પરંતુ તેમને આજે કશું દેખાઈ રહ્યું નથી.


આપની દિવ્ય શક્તિ દ્વારા ગુજરાતના ખેડૂતોને કપાસના ભાવ 1500 માંથી રૂપિયા 2400 રૂપિયા સરકાર આપશે? ક્યારે મળશે? તેની આપ દ્વાર પર્ચીઓ ખોલીને ગુજરાતની જનતાને જણાવશો તેવી આશા રાખું છું.


 પરસોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે ફેરવી તોળ્યું


દેશભરમાં હિન્દુત્વ યુવા આગેવાન અને ચમત્કારી બાબા તરીકે જાણીતા થયેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં રાજકોટની મુલાકાત લેશે. બાગેશ્વર ધામના પીઠેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવવાના છે.  બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1લી અને 2જી જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર ભરશે, બાબાનો આ દિવ્ય દરબાર બે દિવસીય રહેશે, અને આમાં કેટલાય લોકો હાજરી આપશે.. બાબા બાગેશ્વરને તાંત્રિક ગણાવીને રાજકોટ કોમર્શિયલ કો ઓપરેટીવ બેંકના સીઈઓ પુરસોત્તમ પીપરીયાએ પડકાર ફેંક્યો હતો. પુરુષોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વરના વિરોધમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને કેટલાક પડકાર ફેંક્યા હતા.  પોતાની પોસ્ટમાં પુરુષોત્તમ પીપળીયાને ડ્રગ્સ ક્યાંથી આવે તે તેની માહિતી આપવાનો પડકાર ફેંક્યો હતો. એટલુ જ નહી, જો બાબા બાગેશ્વર ડ્રગ્સની જાણકારી આપે તો પાંચ લાખનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી. પુરુષોત્તમ પીપળીયાએ બાબા બાગેશ્વર વશીકરણની વિદ્યાનો દુરૂપયોગ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.