Valsad Rain: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ અનેક જિલ્લાઓમાં ધબધબાટી બોલાવી છે જેમા સૌથી વધુ જૂનાગઢ, નવસારી અને દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું છે. વલસાડના ધરમપુરના ભવાડા ગામેથી હચમચાવતી ઘટના સામે આવી છે. સ્માશન ભૂમિના અભાવે વરસતાં વરસાદમાં અંતિમ વિધિ યોજાઈ હતી. મૃતકના સ્વજનોએ અંતિમ શૈયા પર પ્લાસ્ટિક પકડીને ઊભા રહી અંતિમ વિધિ કરી હતી. કપરાડા અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં અનેક ગામોમાં આ સમસ્યા છે.
વલસાડના કપરાડા અને ધરમપુરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને લઈ નીચાણવાળા વિસ્તારોમાં લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે. રાંધા અને કૌચાને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા તો તુલસી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે. આ તરફ હવે બંને તરફના ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કોઝવે પસાર કરવા કલાકો સુધી રાહ જોવી પડે છે. આ તરફ લોકો જીવને જોખમમાં મૂકી કોઝવે પસાર કરતાં જોવા મળ્યા છે. નોંધનીય છે કે, આજે પણ વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. વલસાડ જિલ્લામાં મેઘરાજા બે દિવસ ધીમા પડ્યા બાદ ફરી આક્રમક રમત અપનાવતા જળબંબાકારની સ્થિતી ઉભી થતા જનજીવન પ્રભાવિત થયું છે.
ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેશે. હાલ બંગાળમાં સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમ અને ગુજરાત તરફ આવતી મોનસૂન ટ્રફ રેખાના કારણે ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.રાજ્ય પર એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે. આજે ગુજરાતભરમાં ભારે વરસાદનું અનુમાન છે. તો એવા સાત જિલ્લા છે. જ્યાં અતિભારે વરસાદના અનુમાનને જોતા રેડ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે ભારે વરસાદના અનુમાન મુજબ રાજ્યના 2 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ઓરેંજ એલર્ટ તો 7 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 24 જુલાઇથી વરસાદનું જોર ઘટશે. ગુજરાતમાં હાલ ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. અતિ ભારે વરસાદના અનુમાનને લઇને હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ આપ્યું છે. આજે કચ્છ,જૂનાગઢ,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા ઓરેંજ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે ગીર સોમનાથ,અમરેલી, ભાવનગર,સુરત,નવસારી,આણંદ,વડોદરામાં વરસાદની તીવ્રતાને લઇને યલો અલર્ટ જાહેર કર્યું છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવી છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial