Surat News:  સુરતના ખાંડ બજાર વિસ્તારમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ  હતી. એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ETP) ની અંડરગ્રાઉન્ડ ટેન્ક ચેમ્બરમાં સફાઈ માટે ઉતરેલા ચાર સફાઈ કામદારોના અંદર ફસાઈ જવાથી મોત નીપજ્યા હતા. ચાર સફાઈ કર્મીઓના ગૂંગળામણથી મોત થયાની આશંકા છે. મળતી જાણકારી અનુસાર, સવારે 10.22 વાગ્યે ફાયર કંટ્રોલ રૂમને કોલ મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ચારેય શ્રમિકોને બહાર કાઢી સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ડોક્ટરે ચારેયને મૃત જાહેર કર્યા હતા.

Continues below advertisement

રતિ જવેલર્સ ખાતે અંડરગ્રાઉન્ડ ટેન્ક ચેમ્બરમાં સફાઈ માટે શ્રમિકો ઉતર્યા હતા. અહીં સૌથી મોટો સવાલ એ છે કે શું સેફ્ટીના સાધનો સાથે કામદારોને ટેન્કમાં ઉતારવામાં આવ્યા હતા ? મળતી જાણકારી અનુસાર, ટેન્કમાં ઉતર્યા બાદ ચારેય કામદારો ફસાઈ ગયા હતા.એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ ઔદ્યોગિક ગંદા પાણીને શુદ્ધ કરવાની એક સિસ્ટમ છે. ફાયર ફાઈટરોની ટીમે ઓક્સિજન કીટ અને જરૂરી સંસાધનો સાથે ટેન્કની અંદર ઉતરીને ભારે જહેમત બાદ ચારેય વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. તમામની ગંભીર સ્થિતિને જોતા એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિકહોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 

Continues below advertisement

ફાયર વિભાગે જણાવ્યું કે આજે સવારે 10:22 કલાકે ફાયર કંટ્રોલ રૂમને એક કોલ મળ્યો હતો કે ખાંડ બજાર પાસે એક વ્યક્તિ ચેમ્બરમાં ફસાયેલ છે. કોલ મળતાની સાથે જ ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે, ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ફાયરના જવાનોને ખબર પડી કે એક નહીં પરંતુ કુલ ચાર વ્યક્તિઓ ટેન્ક ચેમ્બરમાં ઉતર્યા હતા અને ચારેય જણા ત્યાં જ બેભાન થઈને ફસાઈ ગયા હતાં. ફાયરની ટીમે ભારે જહેમત બાદ ચારેય લોકોને તાત્કાલિક બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.  હાલમાં પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને કયા કારણોસર મોત થયા તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે.