સુરતઃ ગુજરાત સરકારે સુરતના ખેતમજૂરોને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. આ અંગે ગુજરાત સરકારના મંત્રી ગણપત વસાવાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, કોઈપણ ખેતમજૂરને 14 દિવસ ક્વોરેન્ટાઇન નહીં કરાય. સરકારના આ નિર્ણયને કારણે ખેડૂતોની સૌથી મોટી સમસ્યાનો ઉકેલ આવી ગયો છે.

નોંધનીય છે કે, હાલ, ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હોય સુરત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે ખેતમજૂરોને લોકડાઉનમાંથી રાહત આપવાની માંગ કરી હતી. આ રજૂઆતને પગલે ડાંગરના ખેતમજૂરોને રાજ્ય સરકારે રાહત આપી છે. સરકારના નિર્ણયને કારણે ડાંગરના ખેતમજૂરોને સેલ્ફ ક્વોરન્ટાઈનમાં રહેવાની જરૂર ન નથી.



નોંધનીય છે કે, સુરતમાં ફસાયેલા સૌરાષ્ટ્રના લોકોને તેમના વતન પહોંચડવા માટે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં સુરતથી સૌરાષ્ટ્રના લોકોને વતન પહોંચાડવા માટે શરૂઆતમાં 200થી વધુ સરકારી બસો દોડાવવાની તૈયારી બતાવવામાં આવી છે. વતન જવા માંગતા લોકો પાસેથી માત્ર એક તરફનું ભાડું વસૂલી મુસાફરી કરાવાશે.

સરકારે નિર્ણય લીધો છે કે, દિવાળીમાં જે પ્રમાણે ગિફ્ટ અપાઈ હતી તે જ પ્રમાણે મુસાફરી કરાવવામાં આવશે. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે સરકારે લીધો નિર્ણય લીધો છે. 30 વ્યક્તિઓનું ગ્રુપ બનાવીને લોકોને વતન મોકલવામાં આવશે. જે ગ્રુપમાંથી બુકિંગ કરાવશે એ જ વિસ્તારમાં સરકારી બસ પહોંચશે અને ત્યાંથી તેમના ગંતવ્ય સ્થળે લઈ જવાશે.



મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં સુરત સહિત અલગ અલગ જિલ્લા કલેકટર અને મંત્રીઓ સાથે ઓનલાઈન બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. બેઠકમાં સુરતમાં કેબિનેટ મંત્રી ગણપત વસાવા, મંત્રી ઈશ્વર પટેલ, મંત્રી કુમાર કાનાણી અને કલેક્ટર હાજર રહ્યા હતા. આ ઉપરાંત દાહોદ, મહેસાણા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સહિત અન્ય જિલ્લાના કલેક્ટર અને મંત્રી બેઠકમાં હાજર હતા.