Gujarat Local Elections Results 2026: ગુજરાતની તમામ 15 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત થઈ છે. સુરતમાં ભાજપને 120માંથી 115 બેઠકો મળી છે. બીજી તરફ ગત 2021ની ચૂંટણીમાં 27 બેઠકો જીતનારી આમ આદમી પાર્ટીને આ ચૂંટણીમાં માત્ર 4 બેઠકો મળી છે.જ્યારે કૉંગ્રેસે માત્ર એક બેઠક પર જીત મેળવી છે. ભારતીય જનતા પાર્ટીને 2021ની સ્થાનિક ચૂંટણીમાં 93 બેઠકો જીતી હતી, જે આંકડો આ વખતે 115 પર પહોંચી ગયો છે.
અનોખી રાજકીય સ્થિતિ સર્જાઈ
સુરત મહાનગરપાલિકમાં 1999 પછી ફરી વિપક્ષ વિહોણું શાસન જોવા મળ્યું છે. 10% બેઠકોના નિયમને કારણે એકપણ પક્ષ વિપક્ષનો દરજ્જો મેળવી શક્યો નથી. કુલ 120 બેઠકોમાં ઓછામાં ઓછી 7 બેઠકો જરૂરી હોવા છતાં કોઈ પક્ષ આ આંકડા સુધી પહોંચી શક્યું નહીં. સુરત મહાનગરપાલિકાના ઈતિહાસમાં ફરી અનોખી રાજકીય સ્થિતિ સર્જાઈ છે.
2021માં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતી હતી
1995માં ભાજપે 99માંથી 98 બેઠકો જીતી હતી. વર્ષો બાદ ફરી એ જ પ્રકારનું રાજકીય દ્રશ્ય સામે આવ્યું છે. વર્તમાન ચૂંટણીમાં વિપક્ષી પક્ષોનો પ્રભાવ ઘટ્યો છે. નિયમ મુજબ 10% બેઠકો વગર વિપક્ષ નેતાનું પદ મળતું નથી. આ કારણે સભાગૃહ હવે સત્તાવાર વિપક્ષ વગર ચાલશે. 2000માં કોંગ્રેસ પાસે 25 બેઠકો સાથે મજબૂત હાજરી હતી. 2015માં કોંગ્રેસે 36 બેઠકો સાથે વધુ પ્રભાવ બતાવ્યો હતો. 2021માં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો સાથે વિપક્ષ તરીકે એન્ટ્રી કરી હતી.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિરોધ પક્ષના નેતા રહી ચૂકેલા પાયલ સાકરિયાની હાર થઈ છે. હારનો સામનો કર્યા બાદ વોર્ડ નંબર 15માંથી ચૂંટણી લડી રહેલા પાયલ સાકરિયાએ નિવેદન આપતા કહ્યું કે, પ્રજાનો જે પણ નિર્ણય છે તે શિરોમાન્ય છે.
અમદાવાદ મનપામાં ભાજપની શાનદાર જીત
ગુજરાતની તમામ 15 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. અમદાવાદ મનપાની 192 સીટમાંથી 158 પર ભાજપ અને 34 બેઠકો પર કૉંગ્રેસને જીત મળી છે.
રાજકોટ મહાનગરપાલિકાની ભાજપની ભવ્ય જીત
રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઈ છે. રાજકોટ મનપાની 72 માંથી ભાજપે 65 બેઠકો પર જીત મેળવી છે. કૉંગ્રેસને રાજકોટ મહાનગરપાલિકામાં 7 બેઠકો પર જીત મળી છે. 2021 કરતાં ભાજપને ત્રણ બેઠકો ઓછી મળી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભાજપની શાનદાર જીત થઈ છે.
