સુરતઃ ગુજરાતમાં ફરી લોકડાઉ નહીં લદાય એવી મુખ્યમંત્રી વિજય રૂપાણીની સ્પષ્ટતા છતાં સોશિયલ મીડિયા પર લોકડાઉનની અફવાઓ ચાલી રહી છે. જાણીતી હિન્દી ન્યુઝ વેબસાઈટ લાઇવ હિન્દુસ્તાન ડૉટ કૉમમાં છપાયેલા સમાચાર પ્રમાણે 26 માર્ચથી લૉકડાઉન લાદવાની અફવાએ લોકોની ચિંતા વધારી દીધી છે. આ અહેવાલ પ્રમાણે ફરી અફવા ફેલાવાની આશંકાથી મોટી સંખ્યામાં કામદારો સુરતથી ભાગી રહ્યા છે.


કોણે લગાવ્યા પોસ્ટર


સુરતમાંથી મોટા પાયે કામદરો ભાગવા માંડતા ટ્રાવેલ્સ સંચાલકો આગળ આવ્યા હતા. સુરત માં લોકડાઉન થવાનું છે તેવી અફવા ફેલાતા લોકો યુપીસ બિહાર તરફ રવાના થતા હતા. જે બાદ ટ્રાવેલ્સ સંચાલકોએ લોકડાઉન અફવા છે તેવા પોસ્ટર લગાવ્યા હતા. આ પોસ્ટરમાં લોકોએ અફવામાં દોરવાવું નહીં, લોકડાઉન અફવા છે તેવા લખાણ લખવામાં આવ્યા હતા.


પ્રદેશ પ્રમુખ પાટિલ પણ આવ્યા મેદાનમાં


આ અફવા મુખ્યત્વે સુરત તથા આસપાસના વિસ્તારોમાં ચાલી રહી હોવાથી નવસારીના ભાજપ સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે મેદાનમાં આવવુ પડ્યું છે. પાટિલે  સ્પષ્ટતા કરી છે કે, ગુજરાતમાં 26 માર્ચથી લૉકડાઉન લદાવવાની વાત બિલકુલ ખોટી છે અને લોકોએ શહેર છોડીને જવાની જરૂર બિલકુલ નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સ્પષ્ટતા કરી દીધી છે કે અફવાઓ પર ધ્યાન ના આપો અને લૉકડાઉન  બિલકુલ નહીં લગાવવામાં આવે ત્યારે આ પ્રકારની અફવાઓથી જરાય દોરાવાની જરૂર નથી.


પોલીસે શું કહ્યું


જો કે પોલીસે સ્પષ્ટતા કરી છે કે, કામદારો લોકડાઉનની અફવાના કારણે નહીં પણ હોળીના તહેવારોમાં ઘરે જવાનું હોવાથી જઈ રહ્યા છે. આ અફવાને રોકવા માટે  પોલીસ પણ સક્રિય થઈ છે. સુરતની પાંડેસરા પોલીસે લોકડાઉનની અફવા ફેલાવવાના આરોપમાં ટ્રાવેલ્સ એજન્સી સાથે જોડાયેલા કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે.


પોલીસે જણાવ્યું કે, હોળીના તહેવારના કારણે ટ્રેનોમાં ભારે ભીડ છે તેથી લોકો બસોમાં જઈ રહ્યા છે. કેટલાક ટ્રાવેલ્સ એજન્ટ પણ  અફવા ફેલાવીને મોટી કમાણી કરવાના ચક્કરમાં છે. આ લોકો જ લોકડાઉનની અફવા ફેલાવી રહ્યા છે. સામાન્ય  લોકો અફવાને સાચી માનીને વતન તરફ જવા માટે બસોનો સહારો લઇ રહ્યાં છે તેના કારણે લોકડાઉનના ડરથી લોકો ભાગી રહ્યા હોવાની વાતો ફેલાવી રહ્યા છે.